
ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : 28 ફેબ્રુઆરીના રોજ ઉજવાતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી માઇધાર ખાતે અનોખી રીતે કરવામાં આવી. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગાત્મક કાર્યશાળાઓ દ્વારા વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં લોક કલ્યાણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે મળીને આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર, મોજીલું શિક્ષણ, અહિંસાની કેળવણી અને સ્કીલ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા વિવિધ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ ગેમ્સ, 3D ફિલ્મ પ્રદર્શન, સેન્સર આધારિત મોડલ્સ બનાવવાની તાલીમ, VR દ્વારા ગેમ્સનો અનુભવ, રિમોટ દ્વારા બોડી કંટ્રોલ તેમજ વૈજ્ઞાનિક પ્રદર્શન જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ માત્ર નિહાળ્યું જ નહીં, પરંતુ જાતે પ્રયોગો કરીને કાર્યશાળાઓ સંભાળી અને ટેકનોલોજીના નવા આયામોને સમજવાનો પ્રયાસ કર્યો. પ્રયોગાત્મક અભિગમ દ્વારા વિજ્ઞાનને માણવાની તક મળતાં વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.કાર્યક્રમ દરમિયાન નિર્મળભાઈ પરમાર અને પાતુભાઈ આહિરે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના મહત્વ અંગે પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવી નવી શોધખોળ તરફ આગળ વધવા પ્રેરણા આપી. અરુણભાઈ દવે, ભાવનાબેન પાઠક તથા અન્ય કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ જાતે આયોજન અને સંચાલન સંભાળી અસરકારક રીતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી, જેનાથી શાળામાં શૈક્ષણિક સાથે પ્રયોગાત્મક શિક્ષણને પણ પ્રોત્સાહન મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT