સુરતના હોર્ટિકલ્ચર મેળોમાં 25થી 30 વર્ષ જૂના બોન્સાઈ પ્લાન્ટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર
સુરત, 28 ફેબ્રુઆરી (હિ.સ.): આજના કોંક્રિટના જંગલો અને મર્યાદિત જગ્યા ધરાવતી ફ્લેટ સંસ્કૃતિમાં, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એક પડકાર બની ગયું છે. આ જ કારણ છે કે હવે લોકો ''લિવિંગ આર્ટ'' એટલે કે શ્વાસ લેતી જીવંત કળા તરફ વળ્યા છે. ઘરના ખૂણામાં કે બ
Surat


સુરત, 28 ફેબ્રુઆરી (હિ.સ.): આજના કોંક્રિટના જંગલો અને મર્યાદિત જગ્યા ધરાવતી ફ્લેટ સંસ્કૃતિમાં, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એક પડકાર બની ગયું છે. આ જ કારણ છે કે હવે લોકો 'લિવિંગ આર્ટ' એટલે કે શ્વાસ લેતી જીવંત કળા તરફ વળ્યા છે. ઘરના ખૂણામાં કે બાલ્કનીમાં એક નાનકડા કુંડામાં વડ કે પીપળા જેવા વિરાટ વૃક્ષને નિહાળવું એ ખરેખર એક જાદુઈ અનુભવ છે. આથી જ 'બોન્સાઈ' અથવા 'વામન કળા'ને 'લિવિંગ આર્ટ' કહે છે. ઉધના-મગદલ્લા રોડ સ્થિત ગર્લ્સ હોસ્ટેલની બાજુના VNSGUના મેદાન ખાતે આયોજિત હોર્ટિકલ્ચર મેળામાં બોન્સાઈ પ્લાન્ટ્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. અહીં 25 થી 30 વર્ષ જૂના બોન્સાઈ વૃક્ષોને જોઈને શહેરીજનો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

સુરતના બોટની નિષ્ણાંત કુલીનભાઈ સોરઠિયાએ એમ.એસસી બોટનીનો અભ્યાસ કર્યો છે, જે છેલ્લા 30 વર્ષથી બોન્સાઈ પ્લાન્ટ્સના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલ છે, તેમણે જણાવ્યું હતું કે, લોકો પાસે હવે જગ્યાનો અભાવ છે. જે વૃક્ષો કુદરતી રીતે બે-ત્રણ માળ જેટલા ઊંચા થાય છે, તેને યોગ્ય માવજત દ્વારા નાના કુંડામાં એ જ સ્વરૂપમાં જાળવી શકાય છે. આ રીતે જગ્યાના અભાવ વચ્ચે પણ લોકો પોતાનો વૃક્ષપ્રેમ પૂરો કરી શકે છે. અહીં લગભગ બે-ત્રણ વર્ષથી લઈને 22-25 વર્ષ સુધીના જૂના પરિપક્વ બોન્સાઈ પ્લાન્ટ્સ છે. જેમાં ચીકુ, ચોર આંબો, વડ, પીપળો, ફાઈકસ, ફાઈકસની વિવિધ જાતો, જેડ પ્લાન્ટ્સ, સ્કેફલેરા, માલફિજીયા અને રંગબેરંગી બોગનવેલ, જેવા પ્લાન્ટ્સ છે. અમારી નર્સરીમાં રૂ. 300થી લઈ 30 હજારથી પણ વધુના પરિપક્વ બોન્સાઈ પ્લાન્ટ્સ ડેવલપ કરીને સુરત સહિત વિદેશમાં વેચાય છે.

કુલીનભાઈએ વધુમાં કહ્યું હતું કે, હાલના સમયમાં સુરત શહેરમાં ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડનનો ક્રેઝ ઘણો વધ્યો છે. રાજ્ય સરકારના સહયોગના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા પુસ્તક મેળા સાથે હોર્ટિકલ્ચર મેળામાં શહેરીજનોનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. આપણે પથ્થર અને માટી સાથે પણ આવા વૃક્ષોનું જતન કરી શકીએ છીએ. નાનકડી સોલો ટ્રેથી લઈને 20-25 ઈંચના કુંડામાં પણ આવા ઝાડો ઉગાડી શકાય છે. આ બોન્સાઈ વૃક્ષો શોખ સાથે માનસિક શાંતિ અને સજાવટનું એક માધ્યમ બની રહ્યું છે. સુરતીઓ હવે પોતાના ડ્રોઈંગ રૂમ કે બાલ્કનીમાં આ 'જીવંત શિલ્પો' સ્થાપિત કરીને પ્રકૃતિ સાથેનો પોતાનો અતૂટ નાતો ફરી જોડી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande