
અમરેલી, 01 માર્ચ (હિ.સ.) : મહુવા–જામનગર માર્ગ પર ચરખડીયા નજીક એસટી બસ અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ બસ અને ઓટો રીક્ષા આમને-સામને અથડાતા ઓટો રીક્ષામાં બેઠેલા મુસાફરો રઝળી ગયા હતા અને કેટલાકને ઇજા પહોંચી હતી. અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત ઝડપ અને અચાનક બ્રેક લાગવાના કારણે થયો હોવાનું માનવામાં આવે છે, જોકે સત્તાવાર કારણ અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસ અને તાત્કાલિક સેવા ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને ટ્રાફિકને ફરી સામાન્ય બનાવવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai