
નવસારી, 01 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં શામળા ફળિયા પાસે આજે એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. અકસ્માત સમયે બસ સુરતથી ધરમપુર આશ્રમ તરફ જઈ રહી હતી. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, બસ ચાલક મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેનું ધ્યાન ભટક્યું અને તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો. પરિણામે બસ સામે આવતી ટ્રક સાથે અથડાઈ ગઈ હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે.
આ અકસ્માતમાં કુલ 11 મુસાફરોને ઈજા પહોંચી છે, જેમાં 6 મહિલાઓ, 2 પુરુષો અને 3 બાળકોનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ તરત જ મદદ માટે દોડી જઈ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી.
સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. છતાં પણ, ચાલકની બેદરકારીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસે ઘટનાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે