
વલસાડ, 01 માર્ચ (હિ.સ.) : વલસાડના મગોદ વિસ્તારમાં રહેતા એક પ્રૌઢ સાથે મોટી ઓનલાઈન ઠગાઈની ઘટના સામે આવી છે, જેમાં તેમના મોબાઈલ ફોનને હેક કરીને અજાણ્યા વ્યક્તિએ બેંક ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સાયબર સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
માહિતી અનુસાર, પીડિતના ખાતામાં તેમની જાણ વગર ₹6 લાખની ઇન્સ્ટા લોન મંજૂર કરવામાં આવી હતી. બેંક તરફથી મેસેજ મળતા તેઓએ તપાસ કરી, જેમાં જાણવા મળ્યું કે આ પ્રક્રિયા ઓનલાઈન રીતે પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે પીડિતે કોઈ અરજી જ કરી ન હતી.
થોડા દિવસોમાં જ ખાતામાંથી વધારાના ₹50 હજાર પણ કપાઈ ગયા હતા. ATM પર તપાસ કરતાં પિન પણ કામ કરતો નહોતો. પરિવારજનોએ બેંકમાં જઈ ચકાસણી કરતા જાણવા મળ્યું કે કુલ ₹6.50 લાખની રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી છે અને ખાતામાં ખૂબ ઓછી રકમ બાકી રહી છે.
આ સમગ્ર ઘટનામાં ઠગોએ પીડિતનો મોબાઈલ નંબર હેક કરીને બેંકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. પીડિતે તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ અને સાયબર સેલ દ્વારા ટેકનિકલ આધાર પર તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે