
મોટરસાયકલ જપ્ત કરી 15 હજારની માંગણી કરી
'સેટલમેન્ટના નામે 5 હજાર પડાવ્યા છતાં છેતરપિંડી આચરી
બન્નેની બુમો ઉઠતાં ભરૂચ એ.ડિવીઝન પોલીસ મથકમાં અગાવ 3 ગુના દાખલ થયા હતા
આ બન્ને સામે સી.ડિવીઝન પોલીસ મથકમાં ચોથો ગુનો દાખલ
ભરૂચ 01 માર્ચ ( હિ. સ )
ભરૂચમાં નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોને ધમકાવતા અને નાણાં પડાવતા યોગેશ બેલેરાવ અને સંજુ વસાવા સામે પોલીસનો સકંજો વધુ મજબૂત બન્યો છે. એ-ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ ફરિયાદો બાદ હવે સી-ડિવિઝનમાં ચોથી ફરિયાદ નોંધાતા ગુનાખોરી આચરતી આ બેલડીની મુશ્કેલીમાં વધારો થયો છે. સોનતલાવડીના રહીશ પાસે બેંકના હપ્તાના બહાને નાણાં પડાવી ગાડી પડાવી લેવાના મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હપ્તાના નામે ખેલ ખેલ્યો 'હું બેંકમાંથી આવું છું, 15 હજાર બાકી છે' કહી રસ્તો રોક્યો
ફરિયાદી હસમુખ પટેલ ગત 12 જાન્યુઆરીના રોજ કલર કામ અર્થે પોતાની મોટરસાયકલ લઈને ઝાડેશ્વર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સંજય કોલોની પાસે યોગેશ બેલેરાવ અને સંજય ઉર્ફે સંજુ વસાવાએ તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીઓએ ધમકાવતા કહ્યું કે, તને હપ્તા ભરવાની ખબર નથી પડતી? હું બેંકમાંથી આવું છું, તારે 15 હજાર ભરવાના બાકી છે. આ સાંભળી ગભરાયેલા ફરિયાદીએ પોતાની સ્થિતિ વર્ણવી હતી.
સેટલમેન્ટની જાળ ગોઠવી 15 હજારને બદલે 5 હજાર પડાવ્યા, છતાં ગાડી લઈ ગયા
આરોપી યોગેશે ફરિયાદીને લાલચ આપી હતી કે જો તે 5 હજાર રૂપિયા આપશે તો તે બેંકવાળા સાથે સેટલમેન્ટ કરાવી દેશે. ફરિયાદીએ ડરના માર્યા પૈસા આપી દીધા હતા, તેમ છતાં સંજુ વસાવાએ વારંવાર ફોન કરી ધાક-ધમકી આપી હતી. અંતે આરોપીઓએ હસમુખ પટેલની ગાડી પણ લઈ લીધી હતી, જેનાથી સ્પષ્ટ થયું કે આ ટોળકી ઉઘાડી લૂંટ ચલાવી રહી હતી.
મોતનો મામલો ગરમાયો હતો નકલી પોલીસના ત્રાસથી એકનું મોત થયા બાદ પોલ ખુલી
ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં થોડા સમય પહેલા આ નકલી પોલીસની ધમકીથી ફફડી ઉઠેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે યોગેશ અને સંજુએ અનેક લોકોને શિકાર બનાવ્યા છે. જેમ-જેમ ભોગ બનનારા લોકો સામે આવી રહ્યા છે, તેમ-તેમ આરોપીઓ સામે ગુનાઓની યાદી લાંબી થઈ રહી છે.
પોલીસ એક્શનમાં આવી એ-ડિવિઝન બાદ સી-ડિવિઝનમાં ફરિયાદ, હજુ વધુ ભોગ બનનારા સામે આવે તેવી શક્યતા
અત્યાર સુધીમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં 3 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે હસમુખ પટેલની ફરિયાદ બાદ સી-ડિવિઝનમાં આ 4થો ગુનો નોંધાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટોળકીએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં અનેક વાહનચાલકોને નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. આગામી દિવસોમાં આ બંને શખ્સો સામે વધુ ફરિયાદો નોંધાય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ