




પુત્ર નકલી બિલ બનાવતો અને પિતા કંપનીમાં પધરાવી દેતા
ભરૂચની જાયન્ટ કંપનીમાં પિતા-પુત્રની જોડીએ પત્ની-માતાની બીમારીના નામે ચરી ખાધું
5 વર્ષ સુધી 186 બોગસ બિલ રજૂ કરી કંપનીને લાખોનો ચૂનો લગાવ્યો
ભરૂચ 01 માર્ચ ( હિ. સ )
એશિયાની નામાંકિત કંપની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GNFC) માં એક ચોંકાવનારું છેતરપિંડીનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. કંપનીમાં જ્યુનિયર ફાયર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પોતાના પુત્ર સાથે મળીને મેડિકલ પોલિસીનો દુરુપયોગ કરી 15.82 લાખ પડાવી લીધા છે. આ મામલે ભરૂચ સી-ડિવિઝન પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ભરૂચની ઝાડેશ્વર સ્થિત મંગલ દર્શન સોસાયટીમાં રહેતા અને વર્ષ 1992થી GNFC કંપનીમાં ફાયરમેન ટ્રેઇની તરીકે જોડાયેલા ગૌતમ રજનીકાંત પટેલ હાલ જ્યુનિયર ફાયર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. કંપનીના નિયમ મુજબ કર્મચારી અને તેના પરિવારને મેડિકલ પોલિસીનો લાભ મળે છે. ગૌતમ પટેલે આ સુવિધાનો ખોટો લાભ લેવા માટે પોતાના પુત્ર ગૌરાંગ પટેલ સાથે મળીને કાવતરું રચ્યું હતું.
186 નકલી બિલ અને 5 વર્ષનો ખેલ સામે આવ્યો
તપાસમાં બહાર આવ્યું છે કે, ગૌતમ પટેલે પોતાની પત્ની અને માતાની બીમારીની સારવારના બહાને છેલ્લા 5 વર્ષમાં (વર્ષ 2020 થી 2025 સુધી) કુલ 186 નકલી મેડિકલ બિલ કંપનીમાં રજૂ કર્યા હતા. આ બિલો તેના પુત્ર ગૌરાંગે કોમ્પ્યુટર પર બનાવ્યા હતા.
આ ત્રણ ફાર્મસીના નામે બન્યા હતા બોગસ બિલ
દીપ મેડિસીન્સ ,શ્રીજી ફાર્મસી અને મીરા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર.
કૌભાંડનો ભાંડો કેવી રીતે ફૂટ્યો
GNFC કંપનીના ચીફ મેનેજર (લીગલ) રીકેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, કંપનીના ઇન્ટરનલ ઓડિટ દરમિયાન આટલી મોટી સંખ્યામાં મેડિકલ ક્લેઈમ આવતા શંકા ગઈ હતી. જ્યારે કંપની દ્વારા સંબંધિત મેડિકલ સ્ટોર્સ પર જઈને ખરાઈ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ નામના કોઈ બિલો સ્ટોર દ્વારા ઇશ્યૂ જ કરાયા નથી. આ રીતે પિતા-પુત્રએ મેડિકલ પોલિસી હેઠળ કુલ 15.82 લાખ મેળવી લીધા હતા.
પોલીસ કાર્યવાહી અને કલમો
કંપનીના અધિકારીની ફરિયાદના આધારે ભરૂચ સી-ડિવિઝન પોલીસે ગૌતમ પટેલ અને તેના પુત્ર ગૌરાંગ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે.
નોંધાયેલી કલમો 420 (છેતરપિંડી), 465, 467, 468, 471 (દસ્તાવેજોમાં બનાવટ) અને 114.
વર્તમાન સ્થિતિ પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વિશ્વાસઘાતની પરાકાષ્ઠા
જે કંપનીએ 30 વર્ષથી રોજીરોટી આપી, તે જ કંપની સાથે કર્મચારીએ છેતરપિંડી આચરી. એટલું જ નહીં, પિતાએ પોતાના પુત્રને પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ કરી તેનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારી કે મેડિકલ સ્ટોરના વ્યક્તિની સંડોવણી છે કે કેમ.
અગાવ પણ ગૌતમ પટેલ સીસીટીવીમાં વિસ્પરની ચોરી કરતા કેદ થયો હતો
તારીખ- 12/ 12/ 2022 ના રોજ કૃપા સુપર સ્ટોર, તુલસીધામ રોડ પરનો બનાવ. કંપનીમાંથી સાંજે છૂટ્યા પછી આશરે છ વાગ્યાની આજુબાજુ Wisper ના પેડ ની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. અત્યારે હાલ ગૌતમ પટેલ કંપનીમાંથી સસ્પેન્ડ થયેલ કર્મચારી છે. ખોટા બિલ મુકવા મેડિકલ અને ચોરી કરવી , ગેરવર્તણુક કરવી , કામ ચોરી કરવી વગેરે જેવા અપકૃત્ય કરવા તે ગૌતમની નોકરીનો એક અગત્યનો ભાગ જ છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ