
ગાંધીનગર, 01 માર્ચ (હિ.સ.) : ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરે માનવીય અભિગમ અપનાવીને એક 20 વર્ષીય માનસિક અસ્વસ્થ યુવતીને તેના પરિવાર સાથે મેળવી આપીને સમાજમાં સુરક્ષા અને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સેક્ટર-૭ પોલીસ સ્ટેશન દ્વારા એક અસહાય યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત આ સેન્ટર પીડિત મહિલાઓ માટે આશાનું કિરણ બન્યું છે.
સેન્ટરના નિષ્ણાત સ્ટાફ દ્વારા જ્યારે યુવતીનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારે અનેક પડકારો સામે આવ્યા હતા. યુવતી પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપી શકતી નહોતી અને તેની વર્તણૂક પરથી તે માનસિક બીમારીથી પીડાતી હોય તેવું જણાયું હતું.તે પોતાના ઘરનું ચોક્કસ સરનામું આપવામાં પણ અસમર્થ હતી.
કાઉન્સેલિંગ બાદ યુવતીએ જણાવ્યું હતું કે, લગ્નના ટૂંકા ગાળામાં પતિ દ્વારા શારીરિક ત્રાસ અપાતા તેણે સાસરું છોડ્યું હતું અને પિતાના ઘરે જવા નીકળી હતી, પરંતુ રસ્તો ભટકી ગઈ હતી.
માતાના અવસાન બાદ તેણે બાળ સંરક્ષણ ગૃહમાં અભ્યાસ કર્યો હતો. આ મહત્વની કડીના આધારે સખી સેન્ટરના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરવામાં આવી. બાળ સંરક્ષણ ગૃહની મદદથી તેના પિતાનું સરનામું શોધવામાં સફળતા મળી હતી.
જ્યારે સ્ટાફ યુવતીને લઈને તેના ઘરે પહોંચ્યો, ત્યારે પિતા-પુત્રીના મિલનના દ્રશ્યો અત્યંત ભાવુક હતા. દીકરી તેના પિતાને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી અને હવે ક્યારેય તેમને છોડીને નહીં જાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
પિતાએ જણાવ્યું હતું કે,દીકરી ૨૦ દિવસથી ગુમ હતી અને તેઓ તેની શોધખોળ કરી રહ્યા હતા. સેન્ટર દ્વારા યુવતીની માનસિક બીમારી માટે નિયમિત દવા અને સારવાર ચાલુ રાખવા સમજણ આપી.
યુવતીએ સંબંધીઓ દ્વારા થતી હેરાનગતિની ફરિયાદ કરતા, સ્ટાફે પરિવારના સભ્યોને બોલાવી યુવતીની યોગ્ય સંભાળ રાખવા અને પરસ્પર સહકાર આપવા કડક સૂચના આપી છે.
આમ, સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફની તત્પરતા અને સંવેદનશીલતાને કારણે એક અસહાય દીકરીને સુરક્ષિત આશરો અને પોતાનો પરિવાર પાછો મળ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ