સુરતના વરાછા ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: ટ્રેક્ટર સાથે અથડાતા પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત, એક મહિલા ગંભીર
સુરત, 01 માર્ચ (હિ.સ.): સુરતના વરાછા વિસ્તારમાં મોડીરાત્રે થયેલા ગંભીર માર્ગ અકસ્માતે એક જ પરિવારને તોડી નાખ્યો છે. હીરાબાગથી કામરેજ તરફ જતાં ઓવરબ્રિજ પર બંધ હાલતમાં ઊભેલા ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં પિતા, પુત્ર અને
Surat


સુરત, 01 માર્ચ (હિ.સ.): સુરતના વરાછા વિસ્તારમાં મોડીરાત્રે થયેલા ગંભીર માર્ગ અકસ્માતે એક જ પરિવારને તોડી નાખ્યો છે. હીરાબાગથી કામરેજ તરફ જતાં ઓવરબ્રિજ પર બંધ હાલતમાં ઊભેલા ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં પિતા, પુત્ર અને ભત્રીજાનું કરુણ મોત થયું છે, જ્યારે પરિવારની એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

માહિતી મુજબ, શૈલેષભાઈ માણીયા પોતાની પત્ની, પુત્ર અને ભાઈના પુત્ર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ 11:30 વાગ્યે ઓવરબ્રિજ પર કોઈપણ રિફ્લેક્ટર કે ચેતવણી વગર ઊભેલા ટ્રેક્ટર દેખાયું નહીં અને બાઈક સીધી પાછળ અથડાઈ ગઈ. અથડામણ એટલી જોરદાર હતી કે ચારેયને ગંભીર ઈજાઓ પહોંચી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

સારવાર દરમિયાન બે માસૂમ બાળકોને તબીબોએ મૃત જાહેર કર્યા, જ્યારે શૈલેષભાઈનું પણ થોડા સમયમાં જ અવસાન થયું. પત્ની કૃપાબેન હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેક્ટર બ્રિજના કામ માટે ત્યાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નહોતી. આ બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. પોલીસે ટ્રેક્ટર ચાલકને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande