
ગાંધીનગર, 01 માર્ચ (હિ.સ.) : વસંતોત્સવના પાવન અવસરે, કાશ્મીરી મહિલાઓએ પરંપરાગત 'ફેરન' અને ચાંદીના આભૂષણોમાં સજ્જ થઈને લયબદ્ધ રીતે પ્રકૃતિના સૌંદર્યને વધાવ્યું હતું. લણણીની મોસમ અને ફૂલોના ખીલવાને આવકારતા આ લોકનૃત્યમાં વર્ષો જૂની વિરાસત અને માટીની સુગંધનો અહેસાસ જોવા મળ્યો હતો. સામૂહિક ગાન અને ડગલાના તાલ સાથે રજૂ થયેલા આ રૌફ નૃત્યએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
જમ્મુ અને કાશ્મીરની ધરતી જેટલી સુંદર છે, એટલી જ ભવ્ય ત્યાંની સંસ્કૃતિ અને પરંપરાઓ છે. આ પરંપરાઓનું એક અભિન્ન અંગ એટલે 'રૌફ' નૃત્ય. કાશ્મીરી લોકસંસ્કૃતિની સુગંધ ફેલાવતું આ નૃત્ય માત્ર મનોરંજન નથી, પણ ત્યાંના લોકોના હર્ષ અને ઉલ્લાસનું પ્રતીક છે.
રૌફ નૃત્ય વિશેની કેટલીક રસપ્રદ અને વાતો
રૌફ એ કાશ્મીરનું સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન લોકનૃત્ય છે. આ નૃત્ય મુખ્યત્વે મુસ્લિમ સમુદાયની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા ખાસ કરીને 'ઈદ-ઉલ-ફિત્ર' અને 'ઈદ-ઉલ-અઝહા' જેવા તહેવારો પર જોવા મળે છે. તે સિવાય લણણીની ઋતુ એટલે કે,વસંત ઋતુના આગમન પર પણ આ નૃત્ય કરવામાં આવે છે.
નૃત્યની શૈલી અને રજૂઆતની વાત કરવામાં આવે તો રૌફ નૃત્યમાં કોઈ જટિલ મુદ્રાઓ હોતી નથી, પરંતુ તેની સાદગી જ તેનું આકર્ષણ છે. મહિલાઓ બે હારમાં એકબીજાની સામે ઊભી રહે છે.તેઓ એકબીજાના ખભા પર હાથ મૂકીને અથવા કમરથી પકડીને સાંકળ જેવી રચના બનાવે છે. આ નૃત્યમાં પગની લયબદ્ધ ગતિ મુખ્ય છે. નૃત્ય કરનાર મહિલાઓ આગળ-પાછળ ઝૂલતી હોય છે, જે જોવામાં ખૂબ જ મનોહર લાગે છે.તેમના પહેરવેશ અને શણગારમાં કાશ્મીરી સંસ્કૃતિની ઝલક સ્પષ્ટ દેખાય છે.
આ નૃત્યમાં મહિલાઓ ઘૂંટણ સુધીના લાંબા અને ભરતકામવાળા જે કુર્તા પહેરે છે તેને 'ફેરન' કહે છે.તેઓ માથા પર સુંદર રૂમાલ અથવા 'કસબા' પહેરે છે અને ગળામાં ચાંદીના પરંપરાગત ઘરેણાં પણ જોવા મળે છે.
આ નૃત્યમાં સંગીતનાં સાધનો કરતાં કંઠ્ય સંગીત વધુ મહત્વનું છે.મહિલાઓ પ્રશ્ન-જવાબના સ્વરૂપમાં લોકગીતો ગાય છે. આ ગીતોમાં પ્રેમ, કુદરતનું સૌંદર્ય અને રોજિંદા જીવનની વાતો વણાયેલી હોય છે.ગીતની લય સાથે 'રૌફ' શબ્દનો ઉચ્ચાર વારંવાર કરવામાં આવે છે, જેના પરથી જ આ નૃત્યનું નામ પડ્યું છે.
રૌફ નૃત્ય એ કાશ્મીરી મહિલાઓના સંઘર્ષ અને આનંદની અભિવ્યક્તિ છે. જ્યારે વસંતના પવનમાં ખીલેલા ફૂલોની જેમ આ મહિલાઓ લયબદ્ધ રીતે ઝૂમે છે, ત્યારે જાણે આખી કાશ્મીર ખીણ જીવંત થઈ ઉઠે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ