

મહેસાણા, 01 માર્ચ (હિ.સ.) અમદાવાદ ખાતે આયોજિત FISS 10 Annual Spice Trade Meetમાં ઊંઝાના મસાલા બજાર સાથે જોડાયેલા વિવિધ વેપાર ક્ષેત્રના અગ્રણી વેપારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. દેશભરના મસાલા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ, નિકાસકારો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
ભારતના સૌથી મોટા જીરુ અને ઇસમગુલ માર્કેટ તરીકે ઓળખાતા ઊંઝા APMCના પ્રતિનિધિઓ અને મસાલા વેપારીઓએ આ મીટમાં સક્રિય ભાગ લીધો હતો. વર્ષોથી મસાલા વેપારમાં નોંધપાત્ર યોગદાન આપનાર વેપારીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મસાલા નિકાસની વધતી સંભાવનાઓ, ગુણવત્તા જાળવણી, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા અને આધુનિક પેકેજિંગ અંગે વિશેષ ચર્ચા યોજાઈ હતી.
વક્તાઓએ જણાવ્યું હતું કે ઊંઝાનો મસાલા વેપાર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આવા ટ્રેડ મીટ દ્વારા વેપારીઓને નવા વેપાર સંબંધો બાંધવાની તેમજ વૈશ્વિક બજારમાં વધુ મજબૂત હાજરી નોંધાવવાની તક મળે છે. કાર્યક્રમ અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR