
મહેસાણા, 01 માર્ચ (હિ.સ.) મહેસાણા ખાતે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ’ ઉત્સાહભેર યોજાયો હતો. ટ્રેગોન 02, પાંચોટ બાયપાસ, રાધનપુર રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને રૂબરૂ મળી સન્માનપૂર્વક આયુષ્માન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ‘આયુષ્માન ભારત યોજના’ આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાના માધ્યમથી આર્થિક અછતને કારણે કોઈપણ પરિવાર યોગ્ય સારવારથી વંચિત ન રહી જાય તે દિશામાં સરકાર કાર્યરત છે. આરોગ્ય સુરક્ષા દરેક નાગરિકનો અધિકાર છે અને તેને સુનિશ્ચિત કરવું આપણી સામાજિક જવાબદારી છે.
ફાઉન્ડેશન દ્વારા ગત તા. 20 થી 25 ફેબ્રુઆરી દરમિયાન આયુષ્માન કાર્ડ કાઢી આપવાના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. કાર્યક્રમ અંતે સંસ્થાના પ્રમુખ શ્રી લાલભાઈ શક્તિને સેવાકીય કાર્ય બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આયોજકો દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR