
પાટણ, 01 માર્ચ (હિ.સ.)પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ દ્વારા 22થી 28 ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની સપ્તાહભર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 41 શાળાઓના 3708 વિદ્યાર્થીઓ અને લગભગ 1000 જેટલા સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
28 ફેબ્રુઆરી, 2026ના રોજ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ માટે ઓરિગામી, ચિત્રકલા અને ક્વિઝ સ્પર્ધા જેવી રસપ્રદ અને જ્ઞાનવર્ધક વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડોક્યુમેન્ટરી શો અને વૈજ્ઞાનિક શોનું પણ આયોજન થયું હતું. ઉપરાંત, હાઈડ્રોપોનિક્સ, એસ્ટ્રોનોમી અને ક્લાઈમેટ ચેન્જ જેવા વિષયો પર વર્કશોપ યોજાઈ, જેથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સમજ અને પ્રાયોગિક જ્ઞાનનો વિકાસ થાય.
આ પ્રસંગે મેહુલભાઈ ચૌધરી, દુર્ગેશભાઈ પ્રજાપતિ, કૃણાલ પટેલ અને ડો. ધનરાજભાઈ ઠક્કર સહિતના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ ગુજકોસ્ટ-ગાંધીનગરના સલાહકાર ડો. નરોત્તમ સાહૂ અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડો. પૂનમ ભાર્ગવનો સહકાર બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને વિચારશક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ