
નવસારી, 01 માર્ચ (હિ.સ.): નવસારી મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવા પહેલાં વેરા વસૂલાત ઝડપથી પૂર્ણ કરવા માટે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. પાલિકાના જણાવ્યા અનુસાર 31 માર્ચ, 2026 સુધીમાં બાકી રહેલા મિલકત વેરા અને અન્ય ટેક્સ ચૂકવવા માટે નાગરિકોને અંતિમ તક આપવામાં આવી છે.
નક્કી કરેલી સમયમર્યાદા સુધીમાં ચુકવણી નહીં કરનાર મિલકતધારકો સામે સીધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમાં મિલકતો સીલ કરવી, પાણીના કનેક્શન બંધ કરવું અને જરૂર જણાય તો વીજ પુરવઠો પણ અટકાવવાનો સમાવેશ થાય છે.
પાલિકાએ વધુમાં ચેતવણી આપી છે કે સમયસર વેરો ન ભરનાર લોકોને ભવિષ્યમાં જાહેર થતી કોઈપણ ટેક્સ રાહત યોજનાઓનો લાભ મળશે નહીં. ઉપરાંત, અન્ય સરકારી સગવડો અને લાભોથી પણ તેઓ વંચિત રહી શકે છે.
નાગરિકોને સરળતા રહે તે માટે પાલિકાની મુખ્ય કચેરી અને તમામ ઝોનલ ઓફિસો શનિવાર-રવિવાર સહિત ચાલુ રાખવામાં આવી છે. લોકો ઓનલાઇન અથવા કચેરીએ જઈને વેરો ભરી શકે છે. કાનૂની કાર્યવાહીથી બચવા માટે વહેલી તકે ચુકવણી કરવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે