
પાટણ, 01 માર્ચ (હિ.સ.)રાજ્ય સરકારના શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે નગરપાલિકાઓ માટે ટાઉન હોલ (મલ્ટીપર્પઝ હોલ) સહિત 11 આવશ્યક નાગરિક સુવિધાઓ માટે જમીનના માપદંડો નક્કી કર્યા છે. નગરપાલિકાઓ પાસે પોતાની જમીન ન હોવા અથવા જમીનની કિંમત ચૂકવવા માટે ભંડોળની તંગી હોવા છતાં વિકાસ કાર્યો અટકી ન જાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.
નવા નિયમો મુજબ 500 લોકોની ક્ષમતા ધરાવતા ટાઉન હોલ માટે 1000 થી 2000 ચોરસ મીટર, 750 લોકો માટે 2000 થી 3000 ચોરસ મીટર અને 1000 લોકો સુધીની ક્ષમતા માટે 3000 થી 4000 ચોરસ મીટર જમીન જરૂરી રહેશે. ‘અ’ વર્ગની પાટણ નગરપાલિકા કન્વેન્શન સેન્ટર બનાવવા માંગે તો 6500 થી 7000 ચોરસ મીટર જમીન ફરજિયાત રહેશે.
મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ નગરપાલિકા વિસ્તારમાં 11 નાગરિક સુવિધાઓ માટે સરકારી પડતર અથવા ગૌચર જમીન ફાળવાશે. તેમાં નગર સેવાસદન, ફાયર સ્ટેશન, સુએઝ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ, વોટર સપ્લાય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટોર્મ વોટર કામગીરી અને ટાઉન હોલનો સમાવેશ થાય છે. પાટણ પાલિકાએ મોટા ભાગના હેતુઓ પૂર્ણ કર્યા છે.
પાટણના પશ્ચિમ વિસ્તારમાં નવા ટાઉન હોલની માંગણી ઉઠી છે, જેના માટે 3000 થી 4000 ચોરસ મીટર સરકારી જમીન જરૂરી છે. પૂર્વ વિસ્તારમાં રૂ. 16 કરોડના ખર્ચે ટાઉન હોલની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. નિયમ મુજબ નગરપાલિકા ટાઉન હોલ અથવા કન્વેન્શન સેન્ટર પૈકી કોઈ એક માટે જ દરખાસ્ત કરી શકે છે, જોકે ‘અ’ વર્ગની પાટણ નગરપાલિકા વધુમાં વધુ બે યુનિટ માટે દરખાસ્ત કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ