
પાટણ, 01 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક આવેલું લોટેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન અને પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. પાંડવોના સમયનું માનવામાં આવતું આ મંદિર લોહેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે અને એક અલૌકિક તથા ઐતિહાસિક યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે.
આ મંદિરે આસપાસના તેમજ દૂર-દૂરથી ભક્તો બાધા-માનતા પૂર્ણ કરવા આવે છે. અહીં પ્રથમ સંતાનની બાબરી (ચૌલક્રિયા) વિધિ કરાવવાની પરંપરા છે. દર વર્ષે પાટણનો તળ પાટણ દરજી સમાજ અને ઉત્તર ગુજરાતનો મોદી સમાજ પગપાળા સંઘ સાથે દર્શન માટે આવે છે.
પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના જયેશ દરજીએ પવિત્ર યાત્રાધામ વિકાસ મંત્રીને પત્ર લખી મંદિરને ગુજરાત યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવા અને ધર્મશાળા સહિત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ