
ગીર સોમનાથ 01 માર્ચ (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના આર્થિક સહયોગથી અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિના માર્ગદર્શનથી આયોજિત “સંસ્કૃત સંભાષણ કૌશલ વર્ધિની” કાર્યશાળાનું સમાપન સત્ર આજના દિવસે ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં યોજાયું. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત સંભાષણ કૌશલનો વિકાસ કરવો અને ભાષાને દૈનિક જીવનમાં પ્રયોગાત્મક રૂપે અપનાવવા પ્રેરિત કરવો હતો. સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃતિ, શૈક્ષણિક ગાંભીર્ય અને ઉત્સાહનો સુમેળ જોવા મળ્યો.
કાર્યક્રમની શરૂઆત ભારતીય વૈદિક પરંપરા અનુસાર દીપપ્રજ્વલનથી કરવામાં આવી. દીપપ્રજ્વલન જ્ઞાન, પ્રકાશ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક હોવાથી આ શુભ પરંપરાથી સમાપન સત્રને આધ્યાત્મિક ગૌરવ પ્રાપ્ત થયું. ત્યારબાદ સમાપન સત્રની સંચાલિકા અને સંયોજિકા ડૉ. પ્રિયંકાબેન દ્વિવેદીએ ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું તથા સમગ્ર કાર્યશાળાની પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત પરંતુ માહિતીસભર અહેવાલ રજૂ કર્યો. તેમણે કાર્યશાળાના હેતુઓ, આયોજન અને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગે વિસ્તૃત પ્રકાશ પાડ્યો.
કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓ — સંદીપ ભટ્ટ , પ્રણવ ગોગટે, ધીરેન્દ્ર મિશ્ર, અમીશાબેન દવે તથા ડૉ. પ્રિયંકાબેન દ્વિવેદી —નું પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્નરૂપે બેગ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું. આ સન્માન વિધિ દ્વારા આયોજકો તરફથી આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
સમાપન સત્રનો મુખ્ય આકર્ષણબિંદુ વિદ્યાર્થીઓની રજૂઆતો રહી. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં નાટક, વાદ-વિવાદ, અનુભવ કથન અને લઘુનાટિકા જેવી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી. આ રજૂઆતો દ્વારા તેમની સંસ્કૃત ભાષા પ્રત્યેની લગન, અભ્યાસની નિષ્ઠા અને અભિવ્યક્તિ શક્તિ સ્પષ્ટ રીતે ઝળકી. વાદ-વિવાદમાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કર્યા, જ્યારે નાટક અને લઘુનાટિકાઓ દ્વારા સંસ્કૃત ભાષાની જીવંતતા અને પ્રાસંગિકતા સૌ સમક્ષ પ્રગટ થઈ. અનુભવ કથન દ્વારા તેમણે કાર્યશાળામાં પ્રાપ્ત થયેલા જ્ઞાન અને અનુભવોને ભાવપૂર્વક રજૂ કર્યા.
આ કાર્યશાળાએ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યેનો ભય દૂર કરી, ભાષા પ્રયોગ માટે આત્મવિશ્વાસ વધાર્યો. પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા શીખવવામાં આવેલા પાઠોનું પ્રતિફળ સમાપન સત્રમાં સ્પષ્ટપણે જોવા મળ્યું. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, આનંદ અને શૈક્ષણિક પ્રેરણાથી છલકાતું રહ્યું. ત્યારબાદ વિષય વિશેષજ્ઞ પ્રણવ ગોગટેએ ખુબજ સુંદર રીતે પ્રાસંગિક ઉદ્બોધન અને માર્ગદર્શન આપ્યું , ત્યારબાદ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ઑ.એસ.ડી ડૉ. સંદીપ ભટ્ટ એ પ્રેરક ઉદ્બોધનથી વિદ્યાર્થીઓને કૃતાર્થ કર્યા એમની ઉપસ્થિતિ માં કાર્યક્રમની ગરિમામાં ખૂબ વધારો થયો. ત્યારબાદ ડૉ.અમીષાબેન દવેએ સહૃદયતા થી ધન્યવાદ વિધિ કરી.
અંતમાં તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરીને તેમની મહેનત અને ભાગીદારીને માન્યતા આપવામાં આવી. પ્રમાણપત્ર વિતરણથી વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને પ્રોત્સાહનનો સંચાર થયો. સમાપન પ્રસંગે અતિથિઓએ સંસ્કૃત ભાષાના મહત્વ પર પ્રકાશ પાડતાં વિદ્યાર્થીઓને સતત અભ્યાસ અને પ્રયોગ માટે પ્રેરિત કર્યા.
આ રીતે “સંસ્કૃત સંભાષણ કૌશલ વર્ધિની” કાર્યશાળાનું સમાપન સત્ર શૈક્ષણિક રીતે સફળ, પ્રેરણાદાયી અને સ્મરણિય બન્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ