
સુરત, 01 માર્ચ (હિ.સ.): સુરતના ડિંડોલી વિસ્તારમાં 26 ફેબ્રુઆરીએ બનેલી જવેલર્સ લૂંટની ઘટનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. શરૂઆતમાં આશરે ₹5.47 લાખની લૂંટ થયાનું સામે આવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન ખુલ્યું કે આ આખું કાવતરું દુકાનના માલિક નારાયણ પાલીવાલે જ રચ્યું હતું. પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવર જીતેન્દ્ર ડાંગીને ઝડપી લીધો છે, જ્યારે માલિક હજુ ફરાર છે.
ઘટના દિવસે બપોરે એક માસ્કધારી શખ્સ દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને ધમકી આપી ચાંદીની 22 મૂર્તિઓ તેમજ સોનાની 24 જોડી બુટ્ટીઓ લૂંટી લઈ ગયો હતો. ફરિયાદ મુજબ આ તમામ દાગીનાની કિંમત લાખોમાં હોવાનું જણાવાયું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે આસપાસના 70થી વધુ CCTV કેમેરા તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સૂત્રો મેળવી લીધા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લૂંટ કરનાર વ્યક્તિ દુકાનના માલિકનો જ ડ્રાઈવર હતો, જે લૂંટ બાદ રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસે રાજસ્થાનના રતનપુર નજીકની હોટેલમાંથી તેને પકડી પાડ્યો અને મુદ્દામાલ જપ્ત કર્યો. જોકે તપાસમાં ખુલ્યું કે લૂંટાયેલા દાગીના અસલી સોનાના નહોતા, પરંતુ પીળી ધાતુથી બનાવેલા નકલી હતા.
પૂછપરછમાં સામે આવ્યું કે માલિક ભારે દેવામાં હતો અને લેણદારોને ભ્રમિત કરવા માટે તેણે આ લૂંટનું નાટક રચ્યું હતું. ડ્રાઈવરને રૂપિયા 4થી 5 લાખ અને મકાન આપવાની લાલચ આપી આ ગુનો કરાવવામાં આવ્યો હતો. હાલમાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ મુખ્ય સુત્રધાર માલિકની શોધખોળ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે