
અમરેલી, 01 માર્ચ (હિ.સ.) : સાવરકુંડલા–અમરેલી હાઈવે ઉપર આવેલ સીમરનની વાડી ખાતે નવા બસ સ્ટેશનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, કાર્યકરો તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના આ મહત્વપૂર્ણ કાર્યને આવકાર્યો હતો.
નવા બસ સ્ટેશનના નિર્માણથી સીમરનની વાડી અને આસપાસના ગામોના લોકો માટે પરિવહનની સુવિધા વધુ સુગમ બનશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, શ્રમિકો અને દૈનિક મુસાફરોને બસની રાહ જોવામાં સહેલાઈ મળશે તથા સુરક્ષિત અને વ્યવસ્થિત મુસાફરી માટે અનુકૂળ માહોલ મળશે. ધારાસભ્ય મહેશ કસવાળાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધાઓનો વિકાસ એ પ્રાથમિકતા છે અને લોકોની સુવિધા માટે આ પ્રકારના વિકાસ કાર્યો સતત કરવામાં આવશે.
ગ્રામજનો દ્વારા પણ બસ સ્ટેશનના ખાતમુહૂર્તને લઇ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિકાસ માટે સરકાર તથા લોકપ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. આવનાર સમયમાં આ બસ સ્ટેશન વિસ્તારના પરિવહન અને સંપર્ક સુવિધામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai