
મુંબઈ, નવી દિલ્હી,01 માર્ચ (હિ.સ.)
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરી, એસબીએલ એનર્જી
લિમિટેડમાં રવિવારે, સવારે થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા
છે, જ્યારે 18 અન્ય ગંભીર રીતે
ઘાયલ છે. તમામ ઘાયલોને તાત્કાલિક નાગપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની
સારવાર ચાલી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, “રવિવારે સવારે લગભગ 7:15 વાગ્યે
ફેક્ટરીના ડેટોનેટર પેકિંગ યુનિટમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી
હતો કે યુનિટમાં તરત જ ભીષણ આગ લાગી ગઈ અને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો.
વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સંભળાયો, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો.”
ઘટનાની માહિતી મળતાં, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ. રાષ્ટ્રીય
આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ) અને રાજ્ય આપત્તિ
પ્રતિભાવ દળ (એસડીઆરએફ) ની ટીમોને પણ
રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.
પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (પીઇએસઑ) અને ઔદ્યોગિક
સલામતી અને આરોગ્ય નિયામક (ડીઆઈએએસ) ના અધિકારીઓ પણ
ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા
માટે સતત શોધખોળ કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રને ડર છે કે, મૃત્યુઆંક વધી શકે
છે.
દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને,
અત્યંત દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડા સંવેદના
વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ દરેક મૃતકના આશ્રિતોને ₹5 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી. તેમણે
જણાવ્યું હતું કે,” તમામ ઘાયલોની સારવાર રાજ્ય સરકારના ખર્ચે કરવામાં આવશે અને આ
ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં
આવશે.”
આ અકસ્માતે વિસ્ફોટકો ઉત્પાદન એકમોમાં, સલામતીના ધોરણો અંગે
ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રારંભિક શંકા એવી છે કે, વિસ્ફોટ પેકિંગ યુનિટમાં
ટેકનિકલ ખામીને કારણે અથવા સલામતીના નિયમોના અભાવને કારણે થયો હશે. જોકે, તપાસ રિપોર્ટ
જાહેર થયા પછી જ વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
વહીવટીતંત્રે ફેક્ટરી પરિસરને સીલ કરી દીધું છે અને વિગતવાર
તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ