
નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બુધવારે દિલ્હીના પાલમ વિસ્તારમાં એક બહુમાળી ઇમારતમાં લાગેલી આગ પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ મૃતકોના આશ્રિતો માટે રૂ. 2 લાખનું વળતર જાહેર કર્યું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ, પાલમ આગને દુ:ખદ ગણાવી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે, મૃતકોના આશ્રિતોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને રૂ. 50,000 ની સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે 7 વાગ્યે પાલમના રામ ચોક માર્કેટમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી. માહિતી મળતાં, અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે, અને આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ