
વલસાડ, 02 માર્ચ (હિ.સ.): ઉમરગામની પ્રતિષ્ઠિત એમ.એમ. હાઈસ્કૂલને મિડ માર્ક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા, ₹15 લાખનું દાન આપવામાં આવ્યું છે. આ નાણાં શાળાની શૈક્ષણિક અને આધુનિક સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા માટે ખર્ચવામાં આવશે. દાનનો ચેક કંપનીના અધિકારીઓ દિનેશભાઈ કરંડીકર અને આશિષભાઈ દેવોકરે શાળાના પ્રતિનિધિઓને સોંપ્યો હતો.
132 વર્ષનો વારસો ધરાવતી આ શાળા માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડતી નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મૂકે છે. સંસ્થા સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવાના ધ્યેય સાથે કાર્યરત છે.
વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને બદલાતી શૈક્ષણિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ દાન ખૂબ ઉપયોગી સાબિત થશે. શાળામાં નવા વર્ગખંડો, ટેક્નોલોજી આધારિત શિક્ષણ સાધનો અને સુવિધાસભર અભ્યાસ વાતાવરણ વિકસાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને વધુ સારા શૈક્ષણિક અવસર મળી શકે.
ઉલ્લેખનીય છે કે 2018થી અત્યાર સુધીમાં શાળાને કુલ ₹58.05 લાખનું દાન મળ્યું છે. ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો અને શાળા સંચાલક મંડળે આ સહયોગ માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો છે તેમજ ઉદ્યોગ સંસ્થાઓને CSR હેઠળ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવા અપીલ પણ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે