17માં જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ૨૫૦ યુવાનોએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને ‘નીલકંઠ ધામ’ની મુલાકાત લીધી
રાજપીપલા, 02 માર્ચ (હિ.સ.) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત 17માં જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (TYEP) અંતર્ગત 1માર્ચ,2026ના રોજ 250 જનજાતીય યુવાનોએ નર્મદા જિલ્લા સ્થિત વિશ્વની સૌથી
17માં જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ


રાજપીપલા, 02 માર્ચ (હિ.સ.) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત 17માં જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (TYEP) અંતર્ગત 1માર્ચ,2026ના રોજ 250 જનજાતીય યુવાનોએ નર્મદા જિલ્લા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને ‘નીલકંઠ ધામ’ (પોઈચા)ની શૈક્ષણિક અને સાંસ્કૃતિક મુલાકાત લીધી હતી.

એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા નિહાળીને યુવાનો મંત્રમુગ્ધ બન્યા હતા અને ભારત સરકાર દ્વારા નિર્મિત આ અદભૂત સ્મારકને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે બિરદાવી ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રવાસ દરમિયાન યુવાનોએ પોઈચા સ્થિત નીલકંઠ ધામની પણ મુલાકાત લીધી હતી, જ્યાં પરમ પૂજ્ય અચલજીવન સ્વામીજીએ યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, યુવાનોએ પોતાનું જીવન રાષ્ટ્ર અને સમાજ સેવા માટે સમર્પિત કરી શ્રેષ્ઠ નાગરિક બનવું જોઈએ.

આ યાદગાર પ્રવાસના સફળ આયોજન બદલ સહભાગી યુવાનોએ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને હરે કૃષ્ણ ડાયમંડના ચેરમેન સવજી ધોળકિયાનો વિશેષ આભાર માન્યો હતો.

માઈ ભારત સુરતના ડેપ્યુટી ડાયરેક્ટર સચિન શર્માના માર્ગદર્શન હેઠળ તેમજ નર્મદાના ડેપ્યુટી ડાયરેક્ટર પંકજ યાદવના વહીવટી સહયોગ, ભાવનગરના જિલ્લા યુવા અધિકારી ભૂપેન્દ્રસિંહ ગિલ અને નર્મદાના એકાઉન્ટ્સ એન્ડ પ્રોગ્રામ સુપરવાઈઝર ચંદ્રકાંત બક્ષીના સક્રિય સંકલનથી આ સમગ્ર પ્રવાસનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારના યુવાનોને દેશની અસ્મિતા અને વિકાસના પ્રતીકોથી પરિચિત કરાવી તેમનામાં દેશપ્રેમ અને એકતાની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande