




પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર જિલ્લામાં કિશોરીઓના સર્વાંગી ઉત્થાન, સામાજિક નેતૃત્વ અને સ્થાનિક સ્વરાજ્યની પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશય સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત, જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ‘બાલિકા પંચાયત’ વિષય પર ત્રણ દિવસીય માસ્ટર ટ્રેનર્સ તાલીમ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ દરમિયાન કુલ 13 જેટલા મહત્વના વિષયો પર સત્રો યોજવામાં આવ્યા હતા, જેમાં બાલિકા પંચાયતનો પરિચય, બાળ અધિકારો, જેન્ડર આધારિત ભેદભાવોની નાબૂદી, બાળ સુરક્ષાના કાયદાઓ અને ડિજિટલ સલામતી જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. નિષ્ણાંત પ્રશિક્ષકો પરેશ બલદાણીયા, સંધ્યા જોશી, ચિરાગ દવે, હર્ષવીર કારાવદરા અને અન્ય મહાનુભાવો દ્વારા કિશોરીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે જીવન કૌશલ્ય (Life Skills) અને નેતૃત્વના ગુણો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને ‘સિંહ, દીવાલ, બંદૂક’ જેવી મનોરંજક પ્રવૃત્તિઓ અને ચાર્ટ પેપર દ્વારા પ્રેઝન્ટેશન કરાવીને તાલીમાર્થીઓને કિશોરાવસ્થાના જટિલ પ્રશ્નો અને સામાજિક પૂર્વગ્રહો સામે લડવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, 'વહાલી દીકરી' અને 'વિદ્યાલક્ષ્મી બોન્ડ' જેવી સરકારી યોજનાઓની છેવાડાની કિશોરીઓ સુધી પહોંચ કેવી રીતે વધારવી તે અંગે પણ માર્ગદર્શન અપવામાં આવ્યુ હતું.
તાલીમના અંતિમ તબક્કામાં તમામ માસ્ટર ટ્રેનર્સે ખુદના ક્લસ્ટર વિસ્તાર માટે ફિલ્ડ લેવલનું માઈક્રો પ્લાનિંગ રજૂ કર્યું હતું. આ પ્રશિક્ષિત અધિકારીઓ હવે ગ્રામ્ય સ્તરે જઈને બાલિકા પંચાયતનું મોડેલ કાર્યરત કરશે, જેથી ગ્રામીણ કિશોરીઓ પોતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવી શકે અને પંચાયતી રાજની પ્રક્રિયામાં સામેલ થઈ શકે. આ તાલીમ શિબિરના સફળ આયોજનથી પોરબંદર જિલ્લો ભવિષ્યમાં મહિલા નેતૃત્વ અને સશક્તિકરણના ક્ષેત્રમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડશે તેવી દ્રઢ આશા અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની ટીમ દ્વારા અત્યંત પ્રભાવશાળી રીતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી. મહેતા અને જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમાર સહિતનાઓએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જિલ્લાના 25 જેટલા આઈ.સી.ડી.એસ. મુખ્ય સેવિકાઓ અને ફીમેલ હેલ્થ સુપરવાઇઝરોએ માસ્ટર ટ્રેનર તરીકે સઘન તાલીમ મેળવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya