
પાટણ, 02 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના નટપરા વિસ્તારમાં વસતા નટ પરિવારો દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભેર હોળી દહન થાય છે, પરંતુ અહીં ખાસ વાત એ છે કે લાકડાંના બદલે ગાયના ગોબરમાંથી બનાવેલા છાણાંનો ઉપયોગ કરવામાં આવે છે.
ગામલોકો હોળી પહેલાંથી જ ગાયનું ગોબર એકત્ર કરી પરંપરાગત રીતે છાણાં તૈયાર કરે છે. હોળીના દિવસે આ છાણાંને ગોઠવી, રંગો અને ફૂલોની સુંદર રંગોળીથી હોળીને શણગારવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામજનો પ્રદક્ષિણા કરી અગ્નિદેવને શ્રીફળ અર્પણ કરે છે અને ખજૂર, ધાણી તથા શ્રીફળનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપે છે. નવપરિણીત યુગલો હોળીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે અને પોતાની પરંપરા પ્રત્યે આસ્થા વ્યક્ત કરે છે. હોળીની રાત્રે ધાર્મિક માહોલમાં પૂજા-અર્ચના થાય છે.
બીજા દિવસે ધુળેટી પર્વ નિમિત્તે સમગ્ર ગામ રંગબેરંગી બની જાય છે. આધુનિક યુગમાં અનેક પરંપરાઓ લુપ્ત થતી હોવા છતાં ગણેશપુરાના નટપરા પરિવારો પોતાની પૌરાણિક સંસ્કૃતિને જીવંત રાખી પર્યાવરણમૈત્રી હોળી દ્વારા સમાજને પ્રેરણા આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ