
પાટણ, 02 માર્ચ (હિ.સ.)પાટણથી ઊંઝાને જોડતા ફોરલેન માર્ગ પર બાલીસણા ગામ નજીક નાળાના નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મુખ્ય માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ડાયવર્ઝનવાળા વિસ્તારમાં રાત્રિના સમયે પૂરતી લાઈટોની વ્યવસ્થા ન હોવાથી ભારે અંધારું રહે છે અને વાહનચાલકોને રસ્તો ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હોવાનું સ્થાનિકો અને મુસાફરો જણાવી રહ્યા છે.
આ સમસ્યાને લઈને પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી છે. તેઓએ અગાઉ 14/02/2026ના રોજ નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય), સિદ્ધપુરને ઈમેલ દ્વારા જાણ કરી હતી, છતાં સુધારો ન થતાં હવે કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાટણને પુનઃ રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં નિર્માણ હેઠળના બ્રિજ અને ડાયવર્ઝન પર રાત્રિના સમયે LED લાઈટો શરૂ રાખવાની તથા જરૂરી સાઈનબોર્ડ મુકવાની માંગણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પ્રકાશ વ્યવસ્થા કરવામાં આવે જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે અને કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ