

- નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં અર્બન હેલ્થ સેન્ટર-રાજપીપલા ખાતે કિશોરીઓને રસી અપાઈ
- મહિલાઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત 15 વર્ષ પૂર્ણ કરતી દીકરીઓને નિ:શુલ્ક રસી આપવામાં આવશે
રાજપીપલા,02 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી એચ.પી.વી. રસીકરણનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજરોજ નર્મદા જિલ્લામાં રાજપીપલા સ્થિત અર્બન હેલ્થ સેન્ટર(જૂની સિવિલ હોસ્પિટલ) ખાતેથી નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના હસ્તે આ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું કે, મહિલાઓને સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે એચ.પી.વી.રસીકરણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે શરૂ કરવામાં આવ્યું છે તે ખુબ જ સરાહનીય છે. દીકરીઓને આ રસી આપી તેમના જીવનને સુરક્ષિત કરવાનો આ અભિગમ છે. નર્મદા જિલ્લામાં પણ 90 દિવસની અંદર 15 વર્ષ પૂર્ણ કરતી હોય તેવી દીકરીઓનું રસીકરણ કરવામાં આવશે.
જીલ્લામાં અંદાજીત 5323 દીકરીઓને એચ.પી.વી.રસી આપવામાં આવશે. આ સરીકરણ થકી મહિલાઓને થતા ગર્ભાશયનાં મુખનાં કેન્સર સામે મજબુત સુરક્ષા કવચ ઉભું કરી રોગ સામે રક્ષણ મેળવી શકાશે. જિલ્લાની અન્ય દીકરીઓને પણ આ રસીકરણમાં જોડાય, વાલીઓ પણ પુરતો સહયોગ આપે અને દિકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર જેવી બિમારીથી સુરક્ષા કવચ પુરૂં પાડવામાં સહયોગી બને તેવી સૌને અપીલ કરી હતી.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એચ.પી.વી. રસીકરણ અભિયાન અને સાવચેતી અંતર્ગત સ્ટ્રેટેજીક એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લાભાર્થીની ઓળખ 14 વર્ષની વય ધરાવતી તમામ કિશોરીઓનું હેડ કાઉન્ટ સર્વે કરી યાદી તૈયાર કરાશે. ટેકો+(techo+) અને CTS મુજબનાં અંદાજીત લક્ષ્યાંકની હેડ કાઉન્ટ સાથે વેરીફીકેશન કરવામાં આવશે. શાળા બહારની કીશોરીઓનું રસીકરણ ત્રણ મહિના સુધી સબંધિત કોલ્ડ ચેઈન પોઈન્ટ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સબ-ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફિસરની હાજરીમાં તાલીમ આપેલી નર્સ દ્વારા આપવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે સંકલનમાં રહીને નોડલ શિક્ષક દ્વારા પાત્ર કિશોરીઓની યાદી આરોગ્ય વિભાગને આપવામાં આવશે.
ખાનગી શાળાએને પૂર્વ સૂચના આપીને અભિયાનમાં જોડાવામાં આવશે. વાલી અને શિક્ષકોની મીટીંગ દરેક શાળામાં ખાસ પીટીએમનું આયોજન કરાશે. આરોગ્ય કર્મચારી અને નોડલ શિક્ષક દ્વારા રસીકરણ પૂર્વે અને રસી અંગે જાગૃતિ કાર્યક્રમો કરાશે.
નર્મદા જિલ્લામાં સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્ય અંતર્ગત 14 વર્ષની દીકરાઓને રસી અપાવી ગર્ભાશયના મુખનાં કેન્સરથી સુરક્ષિત કરવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજનાં આગેવાનોને સહકાર આપવા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ