
તેહરાન, નવી દિલ્હી, 2 માર્ચ (હિ.સ.). ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને સર્વોચ્ચ નેતા અલી ખામેનીના મૃત્યુ પછી રાષ્ટ્રને પોતાના પહેલા સંબોધનમાં કડક ચેતવણી આપી. તેમણે તેને મુસ્લિમો સામે યુદ્ધની ઘોષણા ગણાવી અને કહ્યું કે, જવાબદાર લોકો પર બદલો લેવો એ ઈરાનની કાયદેસર ફરજ અને અધિકાર છે.
રાષ્ટ્રને પોતાના પહેલા સંબોધનમાં, પેજેશ્કિયાને જણાવ્યું કે, ઈરાની સશસ્ત્ર દળો દુશ્મનના લક્ષ્યો પર શક્તિશાળી હુમલા ચાલુ રાખશે. તેમણે ખામેનીને શહીદ જાહેર કર્યા અને કહ્યું કે દેશ તેમના પગલે ચાલશે.
નવી નેતૃત્વ પરિષદની જાહેરાત
રાષ્ટ્રપતિએ એ પણ પુષ્ટિ આપી કે, નવી નેતૃત્વ પરિષદ એ સત્તા સંભાળી લીધી છે, જે સંક્રમણ સમયગાળા દરમિયાન શાસનનું નિરીક્ષણ કરશે. તેમણે લોકોને દુશ્મનના કાવતરાઓ ને નિષ્ફળ બનાવવા માટે મસ્જિદોમાં અને શેરીઓમાં એક થવા અપીલ કરી.
દરમિયાન, ઈરાને ગલ્ફ ક્ષેત્ર અને ઈરાકી કુર્દીસ્તાનના વિસ્તારોમાં અમેરિકી લશ્કરી થાણાઓ પર નવા હુમલાઓની જાહેરાત કરી. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીએ જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળો હુમલા માટે જવાબદાર લોકોને અવિસ્મરણીય પાઠ શીખવશે.
ઉલ્લેખનીય છે કે, પેજેશ્કિયાન 2024 માં સુધારાવાદી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. સપ્ટેમ્બર 2024 માં યુએન જનરલ એસેમ્બલીમાં તેમના પ્રથમ સંબોધનમાં, તેમણે રાષ્ટ્રીય એકતા અને વિશ્વ સાથે રચનાત્મક સંવાદ પર ભાર મૂક્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે, ઈરાન પરમાણુ શસ્ત્રો શોધતું નથી અને પશ્ચિમી દેશો સાથે તણાવ ઓછો કરવા માટે તૈયાર છે.
જોકે, તેમના પ્રથમ સંબોધનમાં, નવા ચૂંટાયેલા ઈરાની રાષ્ટ્રપતિનું વલણ સંપૂર્ણપણે રક્ષણાત્મક અને બદલો લેવા જેવું લાગ્યું. પ્રદેશમાં વધતા લશ્કરી તણાવ અને સુપ્રીમ લીડરના મૃત્યુના અહેવાલો વચ્ચે, ઈરાને સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે, તે બદલો લેવાથી પાછળ રહેશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ