
જૂનાગઢ 2 માર્ચ (હિ.સ.) ભારતમાં સર્વાઈકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર એ સ્ત્રીઓમાં થતાં કેન્સર પૈકી બીજા નંબરનું મુખ્ય કારણ છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૨૨ માં ભારતમાં સર્વાઈકલ કેન્સરના ૭૯૧૦૩ કેસ અને તેના કારણે ૩૪૮૦૫ મરણ નોંધાયેલ છે. ૯૯.૭ % સર્વાઈકલ કેન્સર હ્યુમન પપીલોમાં વાઈરસ (HPV) ના ચેપના કારણે થાય છે. જો કે હ્યુમન પપીલોમાં વાઈરસ (HPV) થી થતાં સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ માટે અસરકારક HPV ની રસી ઉપલબ્ધ છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં વર્ષોથી આપવામાં આવી રહી છે.
૧૪ વર્ષ પુર્ણ કરેલ એટલે કે ૧૫મુ વર્ષ ચાલુ હોય તેવી દિકરીઓને HPV ની રસી આપી સર્વાઈકલ કેન્સરથી રક્ષિત કરાશે.જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં અંદાજિત ૭૨૦૦ દિકરીઓને HPV ની રસીનો લાભ આપવાની કામગીરીનો શુભારંભ તા.૨ માર્ચથી કરવામાં આવ્યો હતો. ૧૪ વર્ષ પુર્ણ કરેલ એટલે કે ૧૫ મુ વર્ષ ચાલુ હોય (૧૪મો જન્મ દિવસ ઉજવ્યો હોય પણ ૧૫મો જન્મ દિવસ ન આવ્યો હોય) એવી જીલ્લાની તમામ દીકરીઓને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આશરે ૩૫૦૦ રૂપિયાની કિંમતની આ રસી વિનામુલ્યે આપવા HPV વેક્સિનના રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા તા. ૨ માર્ચ ના રોજ ૫૯૫ દિકરીઓને HPV ની રસી આપવામા આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા HPV ની રસીની લોક જાગૃતીની કામંગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં શિક્ષણ વિભાગ સાથે પણ સંકલન કરી શાળામાં વાલી-શિક્ષક મિટિંગનું આયોજન કરી HPV ની રસી વિશે જાગૃતી લાવી ૧૪ વર્ષ પુર્ણ કરેલ દીકરીઓ ને HPV ની રસી અપાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડૉ. એ. એસ.સાલ્વી જણાવ્યું કે સર્વાઈકલ કેન્સરના નિવારણ માટે આ રસી ખૂબ જ અસરકારક અને સલામત છે. ૧૪ વર્ષ પુર્ણ કરેલ દીકરીને HPV ની રસી અપાવી સર્વાઈકલ કેન્સર જેવી ગંભીર અને જીવલેણ રોગથી બચાવી તંદુરસ્ત જીવન અને સ્વસ્થ ભવિષ્ય માટે તમામ વાલીઓને અનુરોધ કરેલ છે. તેમજ વધુ માહિતી માટે આપના નજીકના પેટા આરોગ્ય કેન્દ્ર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ