
જુનાગઢ 2 માર્ચ (હિ.સ.) ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે રક્ષણ આપતી HPV (Human Papillomavirus) વેક્સિન મૂકવાના દેશવ્યાપી અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ રસીકરણ કાર્યક્રમની ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકાની કિશોરીઓને ભવિષ્યમાં થતા ગંભીર કેન્સરના જોખમ સામે સુરક્ષિત કરવાનો છે.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ રસીના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, કિશોરીઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટે આ HPV રસી ખૂબ જ અગત્યનું અને અસરકારક માધ્યમ છે. શાળાના શૈક્ષણિક સ્ટાફ અને આરોગ્ય વિભાગની ટીમો વચ્ચે સંકલન દ્વારા તાલુકાની તમામ પાત્રતા ધરાવતી બાળાઓને આ રસીકરણ હેઠળ આવરી લઈ સુરક્ષિત કરવા માટેનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
આ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગના સ્ટાફ અને સહયોગી સંસ્થાઓ પરિશ્રમ કરી રહી છે. આગામી દિવસોમાં તાલુકાના વિવિધ ગામો અને શાળાઓમાં આ રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવશે.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર તાલુકાના તમામ મેડિકલ ઓફિસરઓ, RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમો, વિવિધ હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ આરોગ્ય વિભાગના પાયાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ