
જૂનાગઢ 2 માર્ચ (હિ.સ.) રાજ્ય સરકારના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત મેંદરડામાં પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શીશપાલજીની પ્રેરણાથી યોજાયેલી આ શિબિરમાં સ્ટેટ કો- ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મેંદરડા તાલુકાના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને મેદસ્વિતા મુક્ત જીવનશૈલી કેળવાય તેવા તે માટે યોગ સાધકોનું માર્ગદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ શિબિર દરમિયાન સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત સાધકોને વિવિધ આસનો અને શરીરનું સંપૂર્ણ સ્ટ્રેચિંગ કરાવીને યોગની શક્તિનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઝોન કો-ઓર્ડિનેટર ચેતાબેન ગજેરાએ યોગ પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા યોગ અભ્યાસનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે જિલ્લા કો-ઓર્ડિનેટર જયંતીભાઈ કાછડીયા દ્વારા સાધકોને રિલેક્સેશન અને મેડિટેશન (ધ્યાન)નો સચોટ અભ્યાસ કરાવી માનસિક શાંતિનો અનુભવ કરાવ્યો હતો.
આ નિ:શુલ્ક શિબિરમાં મેંદરડા તાલુકાના વિવિધ યોગ કોચ, ટ્રેનર્સ અને અંદાજે ૧૫૦થી વધુ યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રચાર પ્રસારની કામગીરી સોનલબેન બગડાએ સાંભળી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં વધતી જતી મેદસ્વિતાની સમસ્યા સામે યોગ એ રામબાણ ઈલાજ છે, ત્યારે આ શિબિરે નાગરિકોને નિરોગી રહેવાની નવી દિશા પૂરી પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ