
સુરત, 02 માર્ચ (હિ.સ.) સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ લાંબા સમયથી પોલીસથી બચી રહેલા પ્રોહીબીશન કેસના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સમીરભાઈ સયફનાભાઈ તાંબોલી નામનો આ આરોપી અંદાજે બે મહિનાથી ફરાર હતો અને માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ તરીકે શોધાઈ રહ્યો હતો.
આરોપી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની હરકતો પર નજર રાખવામાં આવી રહી હતી.
તપાસ દરમિયાન LCBના સ્ટાફને ગુપ્ત માહિતી મળી કે સમીર તાંબોલી ઝંખવાવ નજીક વાડી તરફ જતાં માર્ગ પર દેખાયો છે. મળેલી માહિતીના આધારે પોલીસે તરત જ સ્થળ પર પહોંચી ચોક્કસ કાર્યવાહી કરી અને આરોપીને કાબૂમાં લીધો હતો.
પકડાયા બાદ પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પ્રોહીબીશન સંબંધિત ગુનામાં પોતાની સંડોવણી સ્વીકારી હતી. જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને આગળની કાર્યવાહી માટે ઝંખવાવ પોલીસને સોંપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે