
મહેસાણા, 02 માર્ચ (હિ.સ.) ઈરાનમાં ચાલી રહેલી યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિના પગલે ગલ્ફ દેશોમાં મહેસાણા લોકસભા વિસ્તારના 45 જેટલા નાગરિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણાના સાંસદ હરિ પટેલ દ્વારા તાત્કાલિક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઈન મારફતે ફસાયેલા નાગરિકોની વિગતો એકત્રિત કરી વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવી છે.
સાંસદ કાર્યાલયે જણાવ્યું કે તમામ 45 નાગરિકોની સંપૂર્ણ માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવી છે અને વિદેશ મંત્રાલય સાથે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ સામાન્ય બને અને એર સ્પેસ ખુલ્લું થાય ત્યારબાદ આ નાગરિકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા આગોતરુ આયોજન પણ કરવામાં આવ્યું છે.
સાંસદ હરિ પટેલે ફસાયેલા નાગરિકોના પરિવારોને હૈયાધારણ આપતાં જણાવ્યું કે કોઈપણ મદદ માટે તેમનું કાર્યાલય 24 કલાક ખુલ્લું રહેશે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલ્ફમાં રહેલા ભારતીયોની સુરક્ષા અંગે ગંભીર છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR