ધરમપુરમાં ઓવરટેકથી વિવાદ: દંપતી પર હુમલો, યુવાનને ગંભીર ઇજા
વલસાડ, 02 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લાના ધરમપુર નજીક હનમતમાળ બજારમાં ઓવરટેક જેવી નાની બાબતે વિવાદ ઉગ્ર બની દંપતી પર હુમલો થયો હતો. ત્રણ બાઇક સવારોએ મોપેડ પર જઈ રહેલા દંપતીને અટકાવી મારપીટ કરી હતી, જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ધરમપુર પોલીસે આરો
Valsad


વલસાડ, 02 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લાના ધરમપુર નજીક હનમતમાળ બજારમાં ઓવરટેક જેવી નાની બાબતે વિવાદ ઉગ્ર બની દંપતી પર હુમલો થયો હતો. ત્રણ બાઇક સવારોએ મોપેડ પર જઈ રહેલા દંપતીને અટકાવી મારપીટ કરી હતી, જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ધરમપુર પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મોગરાવાડી વિસ્તારમાં રહેતા 24 વર્ષીય ભાવિનભાઈ પવાર તેમની પત્ની અરૂણાબેન સાથે રવિવારે સાંજે સાપુતારાથી ઘરે પરત ફરી રહ્યા હતા. હનમતમાળ મુખ્ય બજાર પાસે તેમણે એક બાઇકને ઓવરટેક કરતા બાઇક સવારો નજીક આવી જતા અરૂણાબેન ગભરાઈ ગયા અને બૂમ પાડી હતી.

આ ઘટનાને લઈને બાઇક સવારોએ ગુસ્સે ભરાઈ દંપતીને રસ્તામાં રોકી ઝઘડો કર્યો. ગાળો આપવાનો આરોપ મૂકી તેમણે ભાવિનભાઈને તમાચા મારી ઝપાઝપી કરી. પત્ની બચાવવા વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો.

હુમલાખોરોએ ભાવિનભાઈનું હેલ્મેટ છીનવી તેને જ હથિયાર બનાવી હુમલો કર્યો અને જમીન પર પાડી દીધા. ત્યારબાદ લાતો મારતા તેમના જમણા ખભાને ગંભીર ઈજા પહોંચી અને ખભો ખસી ગયો. હોબાળો થતાં લોકો ભેગા થતાં આરોપીઓ ધમકી આપી ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે પોલીસે બાઇકના નંબર આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande