વલસાડમાં પોલીસનો અચાનક કોમ્બિંગ ડ્રાઇવ: 165 વાહનોની તપાસ, ₹46 હજારનો દંડ વસૂલાયો
વલસાડ, 02 માર્ચ (હિ.સ.): વલસાડ શહેર પોલીસ દ્વારા ધોબી તળાવ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કામગીરીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા ખાસ ધ્યાન આપવામ
Valsad


વલસાડ, 02 માર્ચ (હિ.સ.): વલસાડ શહેર પોલીસ દ્વારા ધોબી તળાવ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કામગીરીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

આ અભિયાન દરમિયાન પોલીસ ટીમોએ કુલ 165 વાહનોની ચકાસણી કરી હતી, જેમાં 45 ચારચક્રી, 108 બાઈક અને અન્ય રાજ્યોમાંથી આવેલા 12 વાહનોનો સમાવેશ થાય છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચાલકો પાસેથી સ્થળ પર જ લગભગ ₹46,000નો ઈ-ચલણ દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ મોટર વાહન અધિનિયમ કલમ 207 હેઠળ 9 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

વાહન ચેકિંગ સિવાય પોલીસે જાહેર સ્થળોએ પણ નજર રાખી હતી. 9 હોટલ અને ગેસ્ટ હાઉસમાં રહેતા લોકોની વિગતો તપાસવામાં આવી હતી, જ્યારે 10 એટીએમ સેન્ટરોની સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવી હતી. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં આવી હતી.

આ ઉપરાંત, 10 ભાડાના મકાનો અને ફાર્મ હાઉસની તપાસ કરવામાં આવી હતી. એક હિસ્ટ્રીશીટર સહિત ‘એ’ અને ‘બી’ કેટેગરીના 8 ગુનેગારોની ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન 11 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લઈ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સીસીટીવી નિયમોના ઉલ્લંઘન બદલ 11 કેસ નોંધાયા છે.

પોલીસ દ્વારા આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને આવા કોમ્બિંગ ઓપરેશન્સ નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે, જેથી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને લોકોમાં સુરક્ષાનો ભાવ વધે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande