
પાટણ, 02 માર્ચ (હિ.સ.) સિદ્ધપુર ખાતે એન. જી. ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિ વિકસાવવાનો અને જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવાનો હતો. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત વિવિધ સર્જનાત્મક મોડેલ્સ રજૂ કર્યા હતા.
આ મેળામાં લક્ષ્મીપોળ વિસ્તારના રહેવાસી વેદ ભટ્ટ દ્વારા તૈયાર કરાયેલ ‘રિવર ક્લિનિંગ બોટ’નું વર્કિંગ મોડેલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બનાવાયેલ આ પ્રોજેક્ટ નદીઓમાં રહેલા કચરાને દૂર કરી જળ પ્રદૂષણ ઘટાડવાની આધુનિક પદ્ધતિ પર આધારિત છે.
પ્રદર્શનની મુલાકાતે આવેલા નાગરિકો અને વાલીઓએ આ નવીન વિચારની પ્રશંસા કરી હતી. વેદ ભટ્ટે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો અને ભવિષ્યમાં આ પ્રોજેક્ટ જળ શુદ્ધિકરણ ક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ