

- વર્ષોથી આ પવિત્ર સ્થાને સદાવ્રતની જ્યોત પ્રજ્વલિત છે અને અહીં આવતો કોઈપણ વ્યક્તિ ક્યારેય ભૂખ્યો કે તરસ્યો જતો નથી : જગદીશ વિશ્વકર્મા
સુરેન્દ્રનગર,02 માર્ચ (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ વડવાળાદેવ તેમજ જગદગુરુ શંકરાચાર્ય રામાનંદાચાર્ય, જગદગુરુ પૂ.કનીરામબાપુ, સુપ્રસિદ્ધ કથાકાર ૫.પુ મોરારીબાપુ, જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ સહિત ભારતભરમાથી ઉપસ્થિત 250 થી વધુ સન્માનનીય અને પૂજનીય સાધુ-સંતોને ભાવપૂર્ણ વંદન સાથે સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં પવિત્ર સંતોની ઉપસ્થિતિથી વડવાળાની ભૂમિ ચૈતન્યવંતી બની છે. વર્ષોથી આ પવિત્ર સ્થાને સદાવ્રતની જ્યોત પ્રજ્વલિત છે અને અહીં આવતો કોઈપણ વ્યક્તિ ક્યારેય ભૂખ્યો કે તરસ્યો જતો નથી.
જગદીશભાઈએ આ તકે ઉપસ્થિત ભક્તોને અન્નનો આદર કરવા માટે નમ્ર અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભૂખ્યા લોકો માટે અન્નનો એક નાનો દાણો પણ જીવનઅમૃત સમાન હોય છે, તેથી ઘરે કે સામાજિક પ્રસંગોમાં ભોજન લેતી વખતે થાળીમાં અન્નનો જરા પણ બગાડ ન થાય તેની કાળજી રાખવી એ જ સાચી પ્રભુ સેવા છે. પર્યાવરણના જતન અંગે વાત કરતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને વૃક્ષારોપણ કરી આ પવિત્ર સ્થાનને એક ભવ્ય વન બનાવવા અપીલ કરી હતી.
તેઓએ, ગૌશાળા સુધીના આર.સી.સી. (RCC) રોડની માંગણીને સ્વીકારી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ મંજૂર કર્યો છે તે બદલ તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં, તેમણે સમાજના ઉત્થાન માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા સમાજની એક પણ દીકરી અભ્યાસથી વંચિત ન રહે અને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પને ચરિતાર્થ કરી શિક્ષિત અને સશક્ત સમાજનું નિર્માણ કરવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી સંજય દેસાઈ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપા પ્રમુખ હાર્દીક ટિમાલીયા, સાંસદ ચંદુ શિહોરા, ધારાસભ્યઓ સહિત ભાજપા અગ્રણીઓ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ