
ગાંધીનગર,02 માર્ચ (હિ.સ.) માઈક્રોન ટેકનોલોજીના સીઈઓ શ્રી સંજય મેહરોત્રાએ કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે કે જ્યાં માઇક્રોન ટેકનોલોજીએ ગુજરાતના સાણંદમાં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટી, 'માઇક્રોન પાયોનિયર'નું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાની દિશામાં મોટું કદમ છે.
કેન્દ્ર અને ગુજરાત સરકારના સહયોગથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ માત્ર ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા જ નહીં, પરંતુ ભવિષ્યની ડિજિટલ ક્રાંતિ માટે મજબૂત પાયો પણ નાખશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઇકોસિસ્ટમને સફળ બનાવવા માટે માઇક્રોને સુરક્ષા, સસ્ટેનીબિલિટી, સ્થાનિક હાજરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સ્વીકાર અને પ્રતિભા નિર્માણ જેવા પાંચ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે.
AI ના યુગમાં મેમરી ચિપ્સની માંગ ઝડપથી વધી રહી છે ત્યારે ભારત આ વૈશ્વિક જરૂરિયાતને પૂરી કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે કૌશલ્ય વિકાસ અને નવીનતા દ્વારા ભારત હવે વિશ્વના નકશા પર એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવશે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને એમડી ડો. રણધીર ઠાકુર
ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને એમડી ડો. રણધીર ઠાકુરે કહ્યું હતું કે, ભારત હવે માત્ર પોલિસી પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઉત્પાદન ક્ષેત્રે પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી રહ્યું છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જેમાં છેલ્લા વર્ષે 70 અબજ ડોલરના મોબાઈલ ફોનનું ઉત્પાદન થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ટાટા ઇલેક્ટ્રોનિક્સની અરજી માત્ર 100 દિવસમાં મંજૂર કરવામાં આવી હતી, જે રાજ્ય સરકારના સહયોગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ધોલેરા હવે ભારતના 'સેમિકોન સિટી' તરીકે ઉભરી રહ્યું છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સના આ પ્રોજેક્ટમાં હાલમાં 7 હજાર લોકો કાર્યરત છે અને ભવિષ્યમાં 20 હજાર જેટલી રોજગારીની તકો ઉભી થશે. આ વિસ્તારમાં ફોર-લેન હાઈવે, અવિરત વીજળી અને પાણી પુરવઠા જેવી આધુનિક માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. વધુમાં,16 દેશોના નિષ્ણાતો અને તાઈવાનથી આવેલા 300 કર્મચારીઓ દ્વારા લિથોગ્રાફી જેવી અત્યાધુનિક ટેકનોલોજી ગુજરાતમાં લાવવામાં આવી રહી છે, જે ધોલેરાને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનું મુખ્ય કેન્દ્ર બનાવશે.
સીજી સેમીના ચેરમેન જી.સી.ચતુર્વેદી
સીજી સેમીના ચેરમેન જી.સી.ચતુર્વેદીએ કહ્યું હતું કે, ભારત આજે ઇલેક્ટ્રોનિક્સના માત્ર ગ્રાહક બનવાના બદલે સેમિકન્ડક્ટર ઉત્પાદન અને ડિઝાઇનના વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારતે છેલ્લા બે વર્ષમાં આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે 'સીજી સેમી' એ ઓગસ્ટ 2025માં તેનો પ્રથમ પ્લાન્ટ પૂર્ણ કર્યો છે અને ટૂંક સમયમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરશે. વર્ષ 2027 સુધીમાં બીજા પ્લાન્ટની સ્થાપના સાથે વાર્ષિક અંદાજે 4 અબજ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા હાંસલ થશે. જે ઓટોમોટિવ અને ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગની ખૂબ પ્રશંસા કરી હતી.
કેન્સ ટેકનોલોજીના મેનેજિંગ ડિરેક્ટર રમેશ કન્નન
કેન્સ ટેકનોલોજીના મેનેજિંગ ડિરેક્ટર રમેશ કન્નને જણાવ્યું હતું કે, ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત જે નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. રાજ્ય સરકારની દૂરંદેશી નીતિઓ અને વહીવટી તત્પરતાને પરિણામે આજે ગુજરાત ભારતના સેમિકન્ડક્ટર મિશનનું કેન્દ્રબિંદુ બન્યું છે.
તેમણે કહ્યું કે, કેન્સ ખાતે અમે હંમેશા કાર્યક્ષમતા અને અમલીકરણની ગતિ પર ભાર મૂક્યો છે. સેવા ક્ષેત્રથી લઈને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને હવે સેમિકન્ડક્ટર પેકેજિંગ તથા એડવાન્સ HDI PCB મેન્યુફેક્ચરિંગ સુધીની અમારી સફર ભારતના બદલાતા ઔદ્યોગિક પરિદ્રશ્યનું પ્રતીક છે. ઉચ્ચ તકનીકી ઉત્પાદન, સ્થાનિક પ્રતિભા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગુજરાત જે ઔદ્યોગિક પાયો નાખી રહ્યું છે, તેમાં કેન્સ પૂરા ઉત્સાહ અને શિસ્ત સાથે યોગદાન આપીને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાના સ્વપ્નને સાકાર કરશે.
SEMI ના સીઈઓ અજિત મનોચા
SEMI ના સીઈઓ અજિત મનોચાએ જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઉદ્યોગની આવક વર્ષ 2035 સુધીમાં 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે, તેમાં ભારતનો હિસ્સો મહત્વપૂર્ણ રહેશે. ઉદ્યોગસાહસિકો અને નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે તેમણે આહવાન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ