
સુરત, 02 માર્ચ (હિ.સ.): સુરત શહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણ જતી BRTS બસ કૈલાશનગર નજીક અકસ્માતનો ભોગ બની હતી, જેમાં ટેમ્પોની ટક્કરથી બસને ભારે નુકસાન થયું હતું.
મળતી માહિતી મુજબ, બસ પોતાના નિયમિત રૂટ પર આગળ વધી રહી હતી ત્યારે અચાનક રોંગ સાઈડથી એક ટેમ્પો કોરિડોરમાં પ્રવેશ્યો હતો. ટેમ્પો ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા બસના આગળના જમણા ભાગે જોરદાર અથડામણ થઈ હતી, જેના કારણે બસના કાચ તૂટી ગયા અને રસ્તા પર ફેલાઈ ગયા હતા.
આ ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટેમ્પો ચાલકની બેદરકારી અકસ્માતનું મુખ્ય કારણ બની હતી. પ્રતિબંધિત વિસ્તારમાં ઝડપથી પ્રવેશતા ટેમ્પોએ સીધી બસને અથડામણ કરી હતી. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વાહનને નોંધપાત્ર નુકસાન થયું છે.
સ્થાનિક લોકો મુજબ, BRTS કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે, જેના કારણે અકસ્માતોની સંભાવના વધે છે. સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને ટેમ્પો ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી અને પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે