નક્સલ પ્રભાવિત વિસ્તારોના 250 જનજાતીય યુવાનો સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે આત્મીય સંવાદ
સુરત, 02 માર્ચ (હિ.સ.): કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત 17મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારોના 250 જનજાતીય યુવાનો સુરતના
Surat


સુરત, 02 માર્ચ (હિ.સ.): કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત 17મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારોના 250 જનજાતીય યુવાનો સુરતના મહેમાન બની ગુજરાતની પ્રગતિ અને આતિથ્યની ઝાંખી કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે સહભાગી યુવાનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે ગહલોતે જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા યુવાનો પર નક્સલવાદી ગતિવિધિઓની નકારાત્મક અસર પડે છે, જેના કારણે તેમનો વ્યક્તિગત અને શૈક્ષણિક વિકાસ અવરોધાય છે.

તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આવા પડકારજનક વિસ્તારોમાં રહેતા યુવાનોના ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ પ્રકારના કાર્યક્રમો સરાહનીય છે, જેથી યુવાનો રાષ્ટ્રની મુખ્યધારા સાથે જોડાઈ ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં પોતાની શક્તિ અને કૌશલ્યનો ઉપયોગ કરી શકે.

ગેહલોતે નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ વિકાસ અને સામાજિક જાગૃતિ માટે કાર્યરત સ્થાનિક યુવાનોના ઉત્સાહને બિરદાવ્યો હતો અને સુરત જેવા વિકસિત શહેરના પ્રવાસ દ્વારા મળેલા અનુભવોને પોતાના વતનમાં જઈ અન્ય યુવાનો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

માય ભારત સુરતના ડેપ્યુટી ડાયરેક્ટર સચિન શર્મા અને ભાવનગરના જિલ્લા યુવા અધિકારી ભૂપેન્દ્રસિંહ ગિલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સ્વયંસેવકો ગૌરવ પડાયા, જૈવિક રૈયાણી, ઉજ્જવલ પરમાર, આયુષ સુરતી, નિમેષ ગદ્દામ અને કમલ સોલંકીએ વ્યવસ્થાપન સંભાળ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પડકારજનક વિસ્તારોના તેજસ્વી યુવાનોમાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ સ્થાપિત કરવાનો અને તેમને દેશના વિકાસ મોડેલથી પરિચિત કરાવી હકારાત્મક પરિવર્તનના દૂત બનાવવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande