
નવી દિલ્હી, 25 માર્ચ (હિ.સ.). કેન્દ્ર સરકા,રે દેશમાં એલપીજી રિફિલ બુકિંગની અંતિમ તારીખ અંગેના અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને ખોટા ગણાવીને તેનું ખંડન કર્યું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી અને લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, કેટલાક અહેવાલો દાવો કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) જોડાણો માટે 45 દિવસ, નોન-પીએમયુવાય સિંગલ સિલિન્ડર જોડાણો માટે 25 દિવસ અને નોન-પીએમયુવાય ડબલ સિલિન્ડર જોડાણો માટે 35 દિવસની નવી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ માહિતી ખોટી છે અને હાલની સિસ્ટમ અમલમાં છે.
વર્તમાન નિયમો અનુસાર, એલપીજી રિફિલ બુક કરવાની અંતિમ તારીખ શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ છે. આ તમામ પ્રકારના જોડાણો પર સમાન રીતે લાગુ પડે છે.
મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને બિનજરૂરી અથવા ગભરાટ ભર્યા રિફિલ બુકિંગ ન કરે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દેશમાં પૂરતો એલપીજી સ્ટોક ઉપલબ્ધ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ