
નવી દિલ્હી, 5 માર્ચ (હિ.સ.): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુરુવારે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશો વચ્ચે સહયોગ વધારવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સ્ટબ વચ્ચેની મુલાકાતમાં ભારત-ફિનલેન્ડ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પરસ્પર સહયોગના નવા ક્ષેત્રોની શોધખોળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
અગાઉ રાષ્ટ્રપતિ સ્ટબ, વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મળ્યા હતા. એક્સ પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, બંનેએ વર્તમાન વૈશ્વિક સુરક્ષા અને રાજકીય પરિદૃશ્ય પર ચર્ચા કરી હતી. સ્ટબે જણાવ્યું હતું કે, ચર્ચામાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ, યુક્રેનમાં રશિયાનું યુદ્ધ, ટ્રાન્સએટલાન્ટિક સંબંધો અને યુરોપિયન સંઘ-ભારત સંબંધો જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બંને પક્ષોએ એવો મત શેર કર્યો હતો કે યુરોપિયન સંઘ-ભારત ભાગીદારીને મજબૂત બનાવવી એ બહુવિધ ક્ષેત્રોને આવરી લેતો વ્યૂહાત્મક વિકલ્પ છે, અને ફિનલેન્ડ તેને તાત્કાલિક અમલમાં મૂકવા માટે તૈયાર છે. રાષ્ટ્રપતિ સ્ટબે, રાયસીના સંવાદની સફળતા બદલ વિદેશ મંત્રી જયશંકરને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે નોંધ્યું કે, રાયસીના સંવાદ વૈશ્વિક વ્યૂહાત્મક વિચારસરણી અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટે વિશ્વના અગ્રણી મંચોમાંના એકમાં વિકસિત થયો છે.
બેઠક પહેલા ફિનલેન્ડના રાષ્ટ્રપતિએ, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત લીધી.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ