

પાટણ, 07 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર APMC ખાતે આયુષ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષ ગાંધીનગર પ્રેરિત સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, દેથળી દ્વારા આ મેળો યોજાયો હતો. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે રિબન કાપીને મેળાને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, નાયબ નિયામક ડો. મેહુલ ત્રિવેદી, APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
મેળાનો મુખ્ય હેતુ આયુષ પદ્ધતિ દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો હતો. મેળામાં સારવાર માટે 20 જેટલા અલગ-અલગ સ્ટોલ ઉભા કરાયા હતા, જ્યાં દર્દીઓને વિનામૂલ્યે નિદાન તથા દવાઓ આપવામાં આવી હતી. હોમિયોપેથિક નિષ્ણાત ડોક્ટરોએ દર્દીઓને તંદુરસ્ત જીવનશૈલી અને પોષણક્ષમ આહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મેળામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય, કિડની, ચામડી તેમજ સ્ત્રીઓ અને વૃદ્ધોને થતી બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ હોમિયોપેથી અને આયુષ પદ્ધતિ અંગે જનજાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન અને ઔષધિય વનસ્પતિ પ્રદર્શન પણ યોજાયું હતું. મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી નિઃશુલ્ક આરોગ્ય સેવા અને માર્ગદર્શનનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ