
ભાવનગર, 07 માર્ચ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સુરક્ષિત અને કાર્યક્ષમ રેલ સંચાલનને વધુ મજબૂત બનાવવાના હેતુસર એક મહત્વપૂર્ણ પહેલ રૂપે જેતલસર જંકશન સ્ટેશન પર રનિંગ સ્ટાફ (લોકો પાઇલટ/ડ્રાઈવર અને ટ્રેન મેનેજર) માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશ્રામ કક્ષ વિકસાવવામાં આવી છે.
જેતલસર સ્ટેશન ઢસા–જેતલસર, રાજકોટ–સોમનાથ તેમજ વાંસજાળિયા–જેતલસર ખંડનું એક મહત્વપૂર્ણ જંકશન સ્ટેશન છે, જ્યાં રનિંગ સ્ટાફને ઑન-ડ્યુટી અને ઑફ-ડ્યુટી કરવાની સુવિધા ઉપલબ્ધ છે. અગાઉ અહીં ડ્રાઈવર અને ટ્રેન મેનેજરોને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પૂરતી વિશ્રામ વ્યવસ્થા ઉભી કરીને તેમની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ જેતલસર જંકશન પર મૂળભૂત સુવિધાઓ સાથે એક આધુનિક વિશ્રામ કક્ષ વિકસાવવામાં આવી છે. હાલમાં આ વિશ્રામ કક્ષમાં એર કન્ડિશનિંગ, વોટર ગીઝર સહિતની અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત ડ્રાઈવર અને ટ્રેન મેનેજર માટે ભોજન (ડાઇનિંગ)ની સુવિધા પણ આ જ વિશ્રામ કક્ષમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ અંગે માહિતી આપતાં વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે જેતલસર જંકશન પર આ વિશ્રામ કક્ષ શરૂ થવાથી આ ખંડમાં કાર્યરત ડ્રાઈવર અને ટ્રેન મેનેજરોને પૂરતી આરામદાયક સુવિધા મળશે. તેના પરિણામે માત્ર કર્મચારીઓના કલ્યાણમાં વધારો નહીં થાય, પરંતુ રેલ સંચાલનની સુરક્ષા, કાર્યક્ષમતા અને નિર્ધારિત ડ્યુટી કલાકોના પાલનને સુનિશ્ચિત કરવામાં પણ મહત્વપૂર્ણ સહાય મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ