
પાટણ, 07 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના દેથળી ગામે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી વહીવટી સેવાઓ પહોંચાડવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભોનું સીધું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો તથા યોજનાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી. વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેથી લોકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ મળી શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ સામાન્ય જનતા સુધી સરળતાથી પહોંચે તે માટે આ પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” મંત્રને સાર્થક કરવા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે લાભાર્થીઓને સહાયના કિટ્સ અને મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ