
ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૮મી માર્ચના રોજ રમાનારી T20 વર્લ્ડકપની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચનો રોમાંચ માણવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકો અને રમતપ્રેમીઓ સામૂહિક રીતે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે તે હેતુથી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન (GH-4) ખાતે વિશાળ સ્ક્રીન પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. રવિવારની સાંજે ૦૬:૩૦ કલાકથી શરૂ થનારા આ પ્રસારણમાં તમામ નાગરિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જેથી મહત્તમ લોકો આ મેચનો આનંદ માણી શકે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રમતગમત પ્રેમીઓ અને ખાસ કરીને યુવાનોમાં રમત પ્રત્યે ઉત્સાહ વધારવા માટે આ વિશેષ પહેલ કરવામાં આવી છે. 'ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યર ૨૦૨૬' ની ઉજવણીના ભાગરૂપે, શહેરના આઈકોનિક સ્થળ એવા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની પસંદગી કરવામાં આવી છે. અહીં વિશાળ એલઈડી સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમની સુવિધા ઊભી કરવામાં આવી છે.
રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં પરિવારો અને ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મેચ નિહાળવા આવવા હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ