

ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : આજના આધુનિક યુગમાં સ્ત્રી 'અબળા' મટી 'સબળા' બની છે. આકાશમાં વિમાન ઉડાડતી પાયલોટ હોય કે સરહદ પર તૈનાત સુરક્ષાકર્મી, આજે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પરંતુ, આ ઉંચી ઉડાન પાછળ એક મૌન સંઘર્ષ છુપાયેલો હોય છે જે છે,ઘર, પરિવાર અને ખાસ કરીને નાના બાળકોની જવાબદારી.
ગાંધીનગર જેવા 'સરકારી નગર'માં, જ્યાં અનેક મહિલાઓ પોતાના વતન કે સંયુક્ત પરિવારથી દૂર નોકરી અર્થે સ્થાયી થઈ છે, ત્યાં માતૃત્વ અને વ્યવસાય વચ્ચે સમતુલા જાળવવી એક પડકાર છે. આ પડકારને તકમાં બદલવાનું કામ કર્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત 'ઘોડિયાઘર' સુવિધાએ.
નિશ્ચિંત માતા, સુરક્ષિત બાળપણ ગાંધીનગરના સેક્ટર-6 ની પ્રાથમિક શાળામાં કાર્યરત ઘોડિયાઘર આજે સેંકડો નોકરિયાત માતાઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. જાન્યુઆરી 2025 થી શરૂ થયેલું આ કેન્દ્ર માત્ર બાળકોને રાખવાની જગ્યા નથી, પણ 'માની હૂંફ' આપતું એક સંસ્કાર કેન્દ્ર છે.
આ ઘોડિયાઘરના સંચાલિકા હેમાંગીબેન મહેતા જણાવે છે કે,એક મહિલા તરીકે હું બીજી મહિલાની વેદના સમજી શકું છું. જ્યારે એક માતા પોતાના નાનકડા બાળકને અમારા ભરોસે મૂકીને જાય છે, ત્યારે એ જવાબદારી અમે મમતાથી નિભાવીએ છીએ. અહીં બાળકોને અમે અમારા પોતાના સંતાન સમજીને સાચવીએ છીએ, જેથી તેમની માતાઓ ઓફિસમાં પૂરા આત્મવિશ્વાસથી કામ કરી શકે.
ગાંધીનગર સીડીપીઓ પ્રીતિબેન પટેલના જણાવ્યા અનુસાર, આ ઘોડિયાઘરમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે.બાળકોને બે સમયનો પૌષ્ટિક નાસ્તો અને એક સમયનું ભોજન આપવામાં આવે છે.રમત-ગમત સાથે પ્રાર્થના, બાળગીતો અને અક્ષરજ્ઞાન દ્વારા બાળકોના વ્યક્તિત્વનું ઘડતર થાય છે.
તાલીમબદ્ધ સ્ટાફના કારણે માતા પિતા નિશ્ચિંત બની બાળકોને અહીં મુકે છે.આ બાળકોને સાચવતી બહેનોને સમયાંતરે ખાસ તાલીમ આપવામાં આવે છે, જેથી બાળકોને માતૃસ્નેહની કમી ન વર્તાય.
સ્ત્રી જ સ્ત્રીના વિકાસનો પાયો છે,પણ સામાન્ય રીતે કહેવાય છે કે 'સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે', પરંતુ આ ઘોડિયાઘરનું મોડેલ આ કહેવતને જડબાતોડ જવાબ આપે છે. અહીં કાર્યરત મહિલાઓ અન્ય નોકરિયાત માતાઓના બાળકોને સાચવીને પરોક્ષ રીતે દેશના અર્થતંત્ર અને સ્ત્રી સશક્તિકરણમાં બહુમૂલ્ય ફાળો આપી રહી છે. એક માતા જ્યારે બીજી માતાના બાળકને સુરક્ષિત રાખે છે, ત્યારે જ દેશની દીકરી ખરા અર્થમાં ઉંચી ઉડાન ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય, કલેકટર કચેરી અને ઉદ્યોગ ભવન જેવા કાર્ય સ્થળો પર પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી માતાઓ પોતાના બાળકો માટે નિશ્ચિત બની પોતાનું કાર્ય કરી શકે છે.
આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, આપણે એવી તમામ માતાઓને સલામી આપીએ જેઓ ઓફિસની ફાઈલો અને બાળકની દૂધની બોટલ બંનેને કુશળતાપૂર્વક સંભાળે છે. ગાંધીનગરનું આ ઘોડિયાઘર સાબિત કરે છે કે જો સરકાર અને સમાજ સાથ આપે, તો માતૃત્વ ક્યારેય કરિયરની આડે આવતું નથી, બલ્કે તે પ્રગતિનો નવો માર્ગ કંડારે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ