
ગીર સોમનાથ 7 માર્ચ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ શાસકીય સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઊના તથા ગીર ગઢડા તાલુકાના ગામ્યકક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા લોકોને સરકારની યોજનાઓ અને સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આવકના દાખલા, જાતિના દાખલા, નિવાસના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, વરિષ્ઠ નાગરિક ઓળખકાર્ડ સહિત વિવિધ સેવાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી અને ઘણી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી કચેરીઓ સુધી જવાની મુશ્કેલી ઘટાડવી અને સરકારની સેવાઓ ગામડાં સુધી પહોંચાડવી છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમમાં તાલુકા સ્તરના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ