
ગીર સોમનાથ 07 માર્ચ (હિ.સ.) આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે આજે આપણે આત્મનિર્ભરતા અને સર્જનાત્મક શક્તિ દ્વારા પ્રેરણારૂપ બનેલ વેરાવળની મા-દિકરીની વાત કરવી છે. જેમણે પોતાની મહેનત અને ઉદ્યમથી વિવિધ પ્રકારના સાબુ બનાવી અને તેના વેચાણ દ્વારા આત્મનિર્ભર બન્યા છે.
અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ બનેલી વેરાવળની દિકરી પ્રતિભાબેન વિસાવાડિયા અને તેમની માતાએ સફળતાના નવા શિખરો સર કર્યા છે. પોતાના પરિશ્રમ, કળા અને દ્રઢ સંકલ્પના આધારે માતા-દિકરી આજે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યા છે અને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
પ્રતિભાબેન પોતાની કુશળતા અને આવડતના આધારે વિવિધ પ્રકારના અને અલગ-અલગ ફ્લેવરના સાબુઓ બનાવે છે. તેમની બનાવટમાં રહેલી કળાત્મકતા અને ઉત્તમ ગુણવત્તાના કારણે સ્થાનિક લોકોમાં તેમના સાબુ માટે વિશેષ માંગ રહે છે.
આ અંગે પ્રતિભાબેને જણાવ્યું હતું કે, શરૂઆતમાં મેં અને મારી માતાએ માત્ર શોખ અને પરિવારને મદદરૂપ થવા માટે સાબુ બનાવવાની શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે લોકો તરફથી સારો પ્રતિસાદ મળતા આ કાર્ય રોજગારનું સ્વરૂપ ધારણ કરી ગયું. કોલેજના અભ્યાસ સાથે કંઇક નવું શીખવાની ધગશ અને પરિવારને મદદરૂપ થવાની પ્રેરણા થકી આ સારૂ કામ કરી શકાયું છે.
તેઓ કેસુડા, બીટ, ગાજરમાંથી સ્કીન વ્હાઇટનેશ, સ્કીન પ્રોબ્લેમને સોલ્વ કરતાં વિવિધ પ્રકારના સાબુઓ બનાવે છે. આ સાબુઓ વેચવા માટે તેમને વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. તેમને ઘર-આંગણે જ ઓર્ડર મળી રહે છે અને સ્થાનિક નાગરિકો પણ સીધા તેમના ઘરે આવીને આ વસ્તુઓ ખરીદી જાય છે. તે ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ નારી શક્તિ મેળા, સરસ મેળા, સ્વદેશી મેળાઓમાં વિના મૂલ્યે સ્ટોલ મળતા સારૂ એવું વેચાણ કરી લે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા અભ્યાસમાં અને માતાને ઘરકામની જવાબદારીઓ વચ્ચે મળતા સમયનો યોગ્ય ઉપયોગ કરીને તેઓ વિવિધ સાબુઓ બનાવી પોતાના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ