જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારાની મિલ્કતો જપ્ત કરવા તૈયારી
જામનગર, 07 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાની વસૂલાત કરવામાં આવે છે, તેમ છતાં અસંખ્ય લોકોએ વેરો ભરપાઈ કર્યો ન હોવાથી કરોડો રૂપિયા બાકી છે. જેની વસુલાત માટે તંત્રએ લાલ આંખ કરી છે અને વેરો નહીં ભરનાર આસામીની સ્થાવર/ જ
કોર્પોરેશન


જામનગર, 07 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાની વસૂલાત કરવામાં આવે છે, તેમ છતાં અસંખ્ય લોકોએ વેરો ભરપાઈ કર્યો ન હોવાથી કરોડો રૂપિયા બાકી છે. જેની વસુલાત માટે તંત્રએ લાલ આંખ કરી છે અને વેરો નહીં ભરનાર આસામીની સ્થાવર/ જંગમ મિલકત જપ્તિમાં લેવા અને પાણી પુરવઠો બંધ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી કરી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો, પાણી વેરો સહિતના અનેક પ્રકારના વેરા વસૂલવા માટે જુદી જુદી સ્કીમ પણ આપવામાં આવે છે, અને વ્યાજ માફી સહિતની યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. તેમ છતાં અનેક આસામીઓ દ્વારા કરોડો રૂપિયાનો વેરો ભરપાઈ કરવામાં આવતો નથી.

જો કે, મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે મિલકત જપ્તિ અંગેના પગલાં પણ લેવામાં આવતા રહે છે. આમ છતાં પણ અનેક આસામીએ વેરો ભરપાઈ નહીં કરતા હવે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે, અને બાકીદારોના ઘરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. ઉપરાંત સ્થાવર/જંગમ મિલકત પણ જપ્તિમાં લેવામાં આવશે. તે અંગેની સત્તાવાર નોટીસ પણ પ્રસિદ્ધ કરી છે.

આવા આકરા પગલાંથી બચવા તા. 31 માર્ચ 2026 પહેલા 100 ટકા વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો હોય, બાકીદારોએ સત્વરે પોતાનો વેરો ભરપાઈ કરી શકે છે. અન્યથા મિલ્કતો સીલ કરવા ઉપરાંત પાણી પુરવઠો બંધ કરવા સહિતના આકરા પગલા લેવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી આગામી દિવસોમાં વેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને મિલ્કત વેરો નહીં ભરનારની મિલ્કતો સીલ કરવામાં આવશે, તેમજ પાણી વેરો નહીં ભરનારના નળ જોડાણો પણ કટ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande